Hyderabad,તા.24
પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગ મામલે પોલીસે અલ્લુ અર્જુનની લગભગ 2 કલાક પૂછપરછ કરી હતી. પોલીસે અલ્લુ અર્જુનને પૂછ્યું કે શું તે ઘટના સ્થળે હાજર હતો. તેણે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી ? રિપોર્ટ્સ અનુસાર, પોલીસ ઘટના સ્થળને રિક્રિએટ પણ કરી શકે છે.
પોલીસે અલ્લુ અર્જુનના સંબંધીઓને એલર્ટ કરી દીધાં છે. આ ઉપરાંત અભિનેતાના ઘરની બહાર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. જેથી 22 ડિસેમ્બર જેવી ઘટના ફરી ન બને. વાસ્તવમાં 22 ડિસેમ્બરે અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ પહેલાં અલ્લુ અર્જુનની આ કેસમાં 10 ડિસેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી.
આ દરમિયાન તેલંગાણા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા થેનામર મલ્લાનાએ પુષ્પા-2ના એક સીન અંગે અલ્લુ અર્જુન, નિર્દેશક સુકુમાર અને નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સીનમાં એક્ટર સ્વિમિંગ પુલમાં પેશાબ કરતો જોવા મળે છે અને એક પોલીસ ઓફિસર પણ પૂલમાં હાજર છે. મલ્લાનાએ કહ્યું કે આ દ્રશ્ય પોલીસ અધિકારીઓની ગરિમા વિરુદ્ધ છે.
પીડિતાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર
નાસભાગમાં મૃત્યુ પામનાર મહિલાનાં પતિ ભાસ્કરે અલ્લુ અર્જુનનો કેસ પાછો ખેંચવા તૈયાર છે. તેઓ આ ઘટનામાં અલ્લુ અર્જુનને દોષિત માનતાં નથી. ભાસ્કરે કહ્યું કે તેમને તેમનાં પુત્રની સારવાર માટે અભિનેતા તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે. ઘટનાનાં બીજા દિવસથી અલ્લુ અમને સપોર્ટ કરી રહ્યો છે.
આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે. અભિનેતાની ધરપકડ માટે અમને દોષી ઠેરવવામાં આવ્યાં હતાં, પરંતુ અમારી પાસે લડવાની તાકાત નથી. ભાસ્કરે કહ્યું કે તેનો 8 વર્ષનો પુત્ર અભિનેતાનો ચાહક છે, તેથી જ તે સ્ક્રીનિંગમાં ગયો હતો. તે છેલ્લાં 20 દિવસથી કોમામાં છે. કેટલીકવાર તે તેની આંખો ખોલે છે અને કોઈને ઓળખતો નથી. અમને ખબર નથી કે તેની સારવારમાં કેટલો સમય લાગશે.
પોલીસે અલ્લુ અર્જુનને કયા – કયા પ્રશ્નો પુછયા?
1. શું તમને સંધ્યા થિયેટરના પ્રીમિયર શોમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી ?
2. શું મેનેજમેન્ટે તમને પહેલાં સંધ્યા થિયેટરમાં ન આવવા કહ્યું હતું ?
3. શું તમે જાણો છો કે પોલીસે મંજૂરી આપી ન હતી ?
4. શું તમે આ વિશે માહિતી નથી લીધી ? શું તમે અને તમારી પીઆર ટીમે પોલીસ પાસેથી ક્લિયરન્સ લીધું હતું ?
5. શું તમારી પીઆર ટીમે તમને સંધ્યા થિયેટરની આસપાસની પરિસ્થિતિ વિશે પહેલેથી જ માહિતી આપી છે કે નહીં ?
6. તમે ત્યાં કેટલા બાઉન્સરો ગોઠવ્યાં હતાં ?
7. ઘટનાસ્થળે તે સમયે શું સ્થિતિ હતી ?
8. શું તમે ઘટના સમયે હાજર હતાં અને જો એમ હોય તો તમે પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી ?