Mahadevji ના અવતારો

Share:

મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે. ભગવાન સાદશિવે પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યાં છે. વિષ્ણુ ભગવાનના ૨૪ અવતાર છે. તો મહાદેવજીના ૧૦૦ અવતારો છે. જેનું નિરૂપણ શિવ મહાપુરાણની શતરુદ્ર સંહિતામાં છે. કેટલાંક અવતારો વિશે જો ચર્ચા કરીએ તો દરેક કલ્પમાં ભગવાન સદાશિવના અવતાર થયાં છે.

જ્યારે ૧૯મો શ્વેત લોહિત નામનો કલ્પ આવ્યો તે સમયે બ્રહ્માજીના મનમાં ચિંતા થઈ કે હું આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરીશ ? બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું. બ્રહ્માજીની ચિંતાનું  નિવારણ કરવા માટે મહાદેવજી સદ્યોજાત સ્વરૂપે પ્રગટ થયાં. આ સ્વરૂપમાં મહાદેવજીએ સફેદ વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. નંદન, સુનંદન, વિશ્વનંદન અને ઉપનંદન સાથે મહાદેવજીએ બ્રહ્માજીને જ્ઞાાનોપદેશ કર્યો. મહાદેવજીના જ્ઞાાનથી જ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું.

૨૦મો રક્ત નામનો કલ્પ થયો જેમાં બ્રહ્માજીનો વર્ણ પણ લાલ હતો. એમણે ભગવાન શિવજીનું ધ્યાન ધર્યું. તે સમયે મહાદેવજી વામદેવ સ્વરૂપે પ્રગટ થયાં. આ અવતારમાં મહાદેવજીએ લાલ વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. લાલ માળા પહેરી હતી. બ્રહ્માજીને જ્ઞાાન આપી શ્રૃષ્ટિના સર્જન માટે પ્રેરિત કર્યાં. વિરજ, વિવાહ, ત્રિશોક અને વિશ્વભાવન સાથે વામદેવ અવાતરે સૃષ્ટિ સંબંધિત બ્રહ્માજીને જ્ઞાાન આપ્યું.

૨૧મો કલ્પ એ પિતવાસસ નામનો હતો જેમાં બ્રહ્માજીએ પીળાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં. ત્યારે મહાદેવજી પણ પિતાંબર ધારી બન્યા. ભોળાનાથના આ સ્વરૂપના દર્શન કરી બ્રહ્માજી પરમ પ્રસન્ન થયાં અને તેમના મુખારવિંદમાંથી શિવ ગાયત્રી પ્રગટ થઈ. ઓમ તત્પુરુષાય વિદમહે, મહાદેવાય ધિમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત્ આ મહાદેવજીની ગાયત્રી છે. શિવ ગાયત્રીના અનુષ્ઠાનથી મહાદેવજી પ્રસન્ન થાય છે. આ મહાદેવજીનો તત્પુરુષ નામનો અવતાર છે.

એ પછી શિવ નામનો કલ્પ આવ્યો. જ્યારે બ્રહ્માજીએ જોયું કે ચારેય બાજુ જળ-જળ જ છે તે સમયે બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું. ત્યારે મહાદેવજી અઘોર સ્વરૂપે પ્રગટ થયાં. અઘોર અવતારમાં મહાદેવજીએ કાળાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. કૃષ્ણ, કૃષ્ણશિખ, કૃષ્ણાસ્ય અને કૃષ્ણકંઠ આ ચાર શિષ્યોની સાથે બ્રહ્માજીને જ્ઞાાનોપદેશ મહાદેવજીએ કર્યો.

ત્યાર પછી વિશ્વરૂપ નામનો કલ્પ થયો. જ્યારે બ્રહ્માજીએ મહાદેવજીનું સ્મરણ કર્યું ત્યારે સાક્ષાત્ વિશ્વરૂપા સરસ્વતી માતાજી પ્રગટ થયાં અને મહાદેવજી ઈશાન રૂપે પ્રગટ થઈ બ્રહ્માજીને જ્ઞાાન આપ્યું. તે સમયે મહાદેવજીના ચાર શિષ્યો હતાં. જતી, મુંડી, શિખંડી અને યતિ. આ ચાર શિષ્યો એ યોગ માર્ગના સ્થાપકો થયાં. જેમણે યોગ માર્ગનો પ્રચાર-પ્રસાર કર્યો.

મહાદેવજીના અવતારોમાં આ પાંચ અવતાર એ પ્રધાન છે. જેમાં બ્રહ્માજીને જ્ઞાાન શિવજીએ આપ્યું. બ્રહ્માજી જ્યારે શ્રૃષ્ટિનું સર્જન કરતાં હતાં ત્યારે શ્રૃષ્ટિ આગળ નહોતી વઘતી. ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું ત્યારે મહાદેવજી અર્ધનારેશ્વર સ્વરૂપે પ્રગટ થયાં. બ્રહ્માજીને જ્ઞાાન આપતાં કહ્યું કે, તમે મૈથુની શ્રૃષ્ટિનું સર્જન કરો. અર્થાત સ્ત્રી અને પુરુષ વાળી શ્રૃષ્ટિ. જ્યારે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ વ્યાસ બનીને આવતાં હતાં ત્યારે મહાદેવજી ભગવાન વેદવ્યાસજીને માર્ગદર્શન આપવા માટે યોગેશ્વર બનીને આવતાં હતાં. એવા ૨૮ અવતાર યોગેશ્વર સ્વરૂપે છે.

ત્યાર પછી મહાદેવજી મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયાં. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંન્દ્ર અને આત્મા આ ભગવાન સદાશિવના જ સ્વરૂપો છે. મહાદેવજી વૈશ્વાનર સ્વરૂપે પ્રગટ થયાં. ત્યાર પછી મહાદેવજીનો નંદીશ્વર નામનો અવતાર થયો. જે અજર-અમર કહેવાયાં. મહાદેવજીના જે ગણ છે નંદીશ્વર તે સાક્ષાત શિવજીનું જ સ્વરૂપ છે.

દક્ષ યજ્ઞાનો ધ્વંશ કરવા મહાદેવજી વિરભદ્ર સ્વરૂપે પ્રગટ થયાં. અર્થાત્ ભગવાન શિવજીએ જ દક્ષ યજ્ઞાનો નાશ કર્યો. નરસિંહ અવતારની પૂર્ણાહૂતિ કરવા માટે મહાદેવજીએ સલ્ભ નામનો અવતાર લીધો. શિવ મહાપુરાણમાં સો અવતારોનું વર્ણન છે. જેમાં કેટલાંક અવતારોની ચર્ચા આપણે કરી. આ બધા અવતારો સનાતન ધર્મના સ્થાપક છે. સનાતન ધર્મના જો કોઈ આદિ દેવ હોય તો તે ભગવાન સદાશિવ છે. એ ભગવાન સદાશિવની કૃપા આપણી ઉપર રહે, આપણે શિવ પરાયણ બનીએ, શિવમય થઈએ એ જ અભ્યર્થના સાથે…અસ્તુ !

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *