Ahmedabad,તા.20
ગુજરાતમાં આ વર્ષે પાસપોર્ટ માટે 8.55 લાખથી વઘુ અરજી આવી છે અને તેની સામે 8.63 લાખથી વઘુ પાસપોર્ટ જારી થયા છે. જેમાં અમદાવાદની રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી 6.82 લાખ જ્યારે સુરતથી 1.81 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવેલા છે. આમ, ગુજરાતથી દરરોજ સરેરાશ 2585 પાસપોર્ટ ઈશ્યૂ થાય છે. અલબત્ત, વર્ષ 2023ની સરખામણીએ નવેમ્બર 2024 સુધી પાસપોર્ટની અરજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાંથી ગત વર્ષે અમદાવાદથી 7.95 લાખ અને સુરતથી 2.28 લાખ એમ કુલ 10.24 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. આ સ્થિતિએ ગત વર્ષે દરરોજ 2807 જેટલા નવા પાસપોર્ટધારકો ઉમેરાતા હતા. અમદાવાદ આરપીઓમાંથી આ વખતે જેટલી અરજી આવે છે તેની સામે વઘુ પાસપોર્ટનો નિકાલ થયો છે. આવેલી અરજીઓ કરતાં વઘુ પાસપોર્ટનો નિકાલ કરવામાં સફળતા મળી હોય તેવું છેલ્લી 2020ના વર્ષમાં બન્યું હતું.
સમગ્ર દેશમાં આ વર્ષે નવેમ્બર સુધી 12.36 કરોડ અરજી સામે 11.84 કરોડ પાસપોર્ટ જારી થયેલા છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાંથી 44.32 લાખથી વઘુ અરજીઓ આવી છે અને તેની સામે 43.99 લાખથી વઘુ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી બાદ પાસપોર્ટ અરજદારોમાં ઘટાડો થયો છે. દિવાળી અગાઉ રોજના 3500 જેટલા અરજદારો હતા અને તે હવે ઘટીને 3 હજારની આસપાસ છે.
યમનનો પ્રવાસ કરનારા 14ના પાસપોર્ટ જપ્ત
યમનનો પ્રવાસ કરવા બદલ સાત વર્ષમાં ગુજરાતમાંથી 14ના પાસપોર્ટ જપ્ત કરાયા છે જ્યારે 3ના પાસપોર્ટ પરત કરવામાં આવ્યા છે. રાજકીય સ્થિતિને પગલે સપ્ટેમ્બર 2017થી ભારતીયો માટે યમનના પ્રવાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રતિબંધ છતાં યમનના પ્રવાસે જવા બદલ સમગ્ર દેશમાંથી કુલ 579ના પાસપોર્ટ જપ્ત થયા છે.