Brisbane,તા.18
જસપ્રિત બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શ્રેષ્ઠ પ્રદર્શન ચાલું રાખ્યું છે અને અત્યાર સુધીની ત્રણેય ટેસ્ટ મેચોમાં શ્રેષ્ઠ ભારતીય બોલર રહ્યો છે. બુમરાહે ટીમ ઈન્ડિયાને પર્થમાં જબરદસ્ત જીત અપાવી હતી અને ત્યારપછી એડિલેડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેણે બ્રિસબેન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં પણ 2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં બુમરાહે તેની બીજી વિકેટ લેતાં જ એક મોટો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે.
બુમરાહ હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે.ભારત માટે કપિલ દેવે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી અને લાંબા સમય સુધી ટોપ પર રહ્યાં હતાં, પરંતુ હવે જસપ્રીત બુમરાહે તેને પાછળ છોડી દીધાં છે.
બુમરાહ પાસે હવે ઓસ્ટ્રેલિયામાં 10 મેચોની 20 ઇનિંગ્સમાં 52 વિકેટો ઝડપી છે. જ્યારે કપિલે 11 મેચની 21 ઇનિંગ્સમાં 51 વિકેટો ઝડપી હતી. બુમરાહ એવરેજના મામલે કપિલ કરતાં સારો છે પરંતુ તે ઈકોનોમી મામલે કપિલ દેવથી પાછળ છે.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારાં ભારતીય બોલરોની યાદી પર નજર કરીએ તો અનિલ કુંબલે જસપ્રિત બુમરાહ અને કપિલ દેવ પછી ત્રીજા સ્થાને છે. કુંબલેએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર 10 ટેસ્ટ મેચની 18 ઇનિંગ્સમાં 49 વિકેટ ઝડપી છે. અશ્વિન 40 વિકેટ સાથે ચોથા સ્થાને અને બિશન સિંહ બેદી 35 વિકેટ સાથે પાંચમાં સ્થાને છે.
મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ફાસ્ટ બોલિંગની સમગ્ર જવાબદારી જસપ્રીત બુમરાહના ખભા પર છે અને તેણે અત્યાર સુધી જરાય નિરાશ નથી કર્યા. બુમરાહ વર્તમાન શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અત્યાર સુધીમાં તેણે 3 મેચની 6 ઇનિંગ્સમાં 20 વિકેટો ઝડપી છે.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટો લેનારાં ભારતીય બોલરો
જસપ્રિત બુમરાહ
10 મેચ
52 વિકેટો
17.21 ની એવરેજ
કપિલ દેવ
11 મેચ
51 વિકેટો
24.58 ની એવરેજ
અનિલ કુંબલે
10 મેચ
49 વિકેટો
37.73 ની એવરેજ
આર અશ્વિન
11 મેચ
40 વિકેટો
42.42 ની એવરેજ
બિશન સિંહ બેદી
7 મેચ
35 વિકેટો
27.51 ની એવરેજ.