Mumbai,તા.17
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા નાના અને મધ્યમ ઉદ્યોગોના આઇપીઓ માટેનાં નિયમોમાં સુધારો કરવા, કસ્ટોડિયન માટેનાં માળખામાં ફેરફાર જેવાં કે તેમની લઘુત્તમ નેટવર્થ 100 કરોડની બમણી કરવા સહિતની સંખ્યાબંધ દરખાસ્તો પર ચર્ચા કરે તેવી શક્યતા છે. આ અંગે સેબી બોર્ડની બેઠક આવતીકાલે મળવાની છે.
આ બેઠકમાં નાના અને મધ્યમ આઇપીઓ માટે લઘુત્તમ અરજી કદ હાલનાં 1 લાખથી વધારીને 2 લાખ કે તેથી વધુ 4 લાખ કરવી કે કેમ તે અંગે બોર્ડ વિચારણા કરશે.
સેબીએ સૂચન કર્યું છે કે નાની કંપનીઓ માત્ર ત્યારે જ આઇપીઓ માટે પાત્ર બનશે જો ઇશ્યૂનું કદ 10 કરોડથી વધુ હોય અને અરજી પહેલાંનાં ત્રણમાંથી ઓછામાં ઓછા કોઈપણ બે નાણાકીય વર્ષમાં કામગીરીમાંથી 3 કરોડનો નફો કર્યો હોય. વધુમાં, તેણે પ્રમોટરો દ્વારા વેચાણ માટેની ઓફરને ઈશ્યુના કદનાં 20 ટકા સુધી મર્યાદિત રાખવા અને પ્રોસ્પેક્ટસમાં મર્ચન્ટ બેન્કર્સની ફીની જાહેરાત કરવાની ભલામણ કરી હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં 15 ઓક્ટોબર સુધી 159 એસએમઈ આઇપીઓ દ્વારા 5700 કરોડથી વધુ એકત્ર કર્યા છે. ચાલું વર્ષમાં, એસએમઈ આઇપીઓની સૌથી વધુ સંખ્યા હતી જેમાં 196 કંપનીઓએ 6000 કરોડથી વધુ એકત્ર કરવા માટે આઇપીઓ બહાર પાડયાં હતાં.
સેબી બોર્ડ કસ્ટોડિયન માટેનાં સુધારેલા નિયમોની પણ ચર્ચા કરશે કારણ કે તેમાંનાં કેટલાક જેમ કે નેટવર્થની જરૂરિયાત લગભગ ત્રણ દાયકા પહેલાં નક્કી કરવામાં આવી હતી. રેગ્યુલેટર વિચારે છે કે જો નેટવર્થમાં વધારો કરવામાં આવે તો કસ્ટોડિયન નુકસાનને શોષવા અને ઓપરેશનલ સ્થિરતા જાળવવામાં મદદ મળશે.
કસ્ટોડિયન્સ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ્સ અને વૈકલ્પિક રોકાણ ભંડોળ જેવાં ગ્રાહકોને સંપત્તિની સલામતી, સિક્યોરિટીઝ એકાઉન્ટ્સની જાળવણી જેવી સેવાઓ પ્રદાન કરે છે. હાલમાં સેબીમાં 17 કસ્ટોડિયન નોંધાયેલાં છે. કસ્ટોડિયનની કસ્ટડી હેઠળની સંપત્તિ માર્ચ 2002 માં 2.70 લાખ કરોડથી વધીને સપ્ટેમ્બર 2024 માં 278.50 લાખ કરોડ થઈ છે.
સેબીનું બોર્ડ યુપીએસઆઇમાં ફેરફાર કરવા પણ વિચાર કરશે. કંપનીને લગતી કોઈપણ માહિતી, જે સામાન્ય રીતે ઉપલબ્ધ હોતી નથી પરંતુ ઉપલબ્ધ થવા પર શેરના ભાવને અસર કરે છે, તેને યુપીએસઆઇ ગણવામાં આવે છે.
સેબીએ યુપીએસઆઇની વ્યાખ્યામાં રેટિંગમાં સુધારો, ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિઓ, કંપનીનાં નિયંત્રણને અસર કરતાં કરારો, છેતરપિંડી અને રિઝોલ્યુશન પ્લાન જેવી ઘટનાઓનો સમાવેશ કરવાની દરખાસ્ત કરી છે.