Dwarka માં સરકારી રેકોર્ડમાં ચેડાં કરી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું,5 એજન્ટ સહિત 9ની ધરપકડ

Share:

Dwarka,તા.13

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ પ્રમાણપત્રના સરકારી રેકર્ડ સાથે ચેડા કરીને યુ.કે.માં સ્થાયી થવા માટે પોર્ટુગીઝના વીઝા મેળવવા બનાવટી ભારતીય પાસપોર્ટ તૈયાર કરવાનાં મસમોટા કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો છે. એક સસ્પેન્ડેડ તલાટી મંત્રી અને પાંચ પાસપોર્ટ એજન્ટો સહિતના પોરબંદર, સુરત, વલસાડ અને દમણમાંથી નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સમગ્ર પાસપોર્ટ કૌભાંડની વધુ તપાસ એસઓજી દ્વારા ચાલુ કરી દેવાઈ છે.

પાંચ પાસપોર્ટ એજન્ટ સહિત નવ શખ્સોની ધરપકડ

વિગત પ્રમાણે, પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુ.કે. (ઈંગ્લેન્ડ) જવા ઈચ્છતા વ્યક્તિઓ પોરબંદરમાં રહેતા પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડિયા અને તેના સંબંધી આશિષ ઓડેદરાનો સંપર્ક કરતા હતાં. જેમાં આશિષ વલસાડ અને દમણના પાસપોર્ટ એજન્ટોના સંપર્કમાં હતો. તેમજ રાયદે રાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરિકોના દસ્તાવેજો તથા પાસપોર્ટ બનાવવા જરૂરી માહિતી મેળવી, સસ્પેન્ડેડ તલાટી કમ મંત્રી હાર્દિક રાવલિયાની મદદથી અરજદારની પાછળ દીવ, દમણ કે ગોવાનાં વતની પોર્ટુગીઝ માતા અથવા પિતાનું નામ નાખીને માયનોર વિઝા સરળતાથી મળી રહે તે રીતે 21 વર્ષથી ઓછી વય રાખી જન્મ તારીખમાં ફેરફાર કરતા હતા. તલાટી કમ મંત્રી હાર્દિક તેની સરકારી ફરજનો ગેરઉપયોગ કરી જન્મ-મરણ નોંધ રજીસ્ટરમાં જૂની નોંધો કોઇપણ રીતે હટાવી તેમાં સત્તાની રૂએ ઓનલાઈન વેબપોર્ટલમાં ખોટા જન્મપ્રમાણપત્રો જનરેટ કરી પોતાની સહી કરી આપતો હતો.

બાદમાં આશિષ ઓડેદરા અને દિલીપ મોઢવાડિયા દમણના એજન્ટ પ્રતિક ટંડેલને જન્મ તારીખનો દાખલો મોકલી આપતા હતાં. જેથી પ્રતિક ટંડેલ દ્વારા પાસપોર્ટ કઢાવવા આધારકાર્ડની જરૂરિયાત હોય, જેથી તેના સંબંધી અને ગ્લોબલ સાયબર કાફેના સંચાલક નિહલ ટંડેલ મારફતે આધાર કાર્ડમાં અપડેટ કરાવી, નવું આધાર કાર્ડ બનાવી લેતા હતાં અને તમામ દસ્તાવેજ વલસાડના પાસપોર્ટ એજન્ટ ભાવેશ પંચાલને સોંપતા હતા. જેથી ભાવેશ પાસપોર્ટની વેબસાઈટ ઉપર ખોટી માહિતી તથા ડોક્યુમેન્ટ અપલોડ કરી પાસપોર્ટ મેળવવાની ઝડપી અને સરળતા માટે સુરતના પાસપોર્ટ એજન્ટ રિતેશ શાહ અને પિનાકિન રાણાની મદદ લેતો હતો. 

આ બનાવટી પાસપોર્ટ પ્રતિક ટંડેલ મારફતે કુરિયર કરી, આશિષ ઓડેદરા અને દિલીપ મોઢવાડિયાને મોકલી આપતો હતો. આ પાસપોર્ટ એજન્ટો દ્વારા બનાવટી પાસપોર્ટધારક જ્યારે પોર્ટુગીઝ વિઝા માટે એપ્લીકેશન કરે ત્યારે પૂછપરછ કરવામાં આવતા સવાલો અંગે અરજદારને અગાઉથી જ તૈયારી કરાવી દેવામાં આવતી હતી. આ રીતે સમગ્ર પાસપોર્ટ કૌભાંડ ચાલતું હતું. આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ હાલ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. પ્રશાંત સિંગરખીયા ચલાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *