Jasdan, તા.30
જસદણના કોઠી ગામે જયરાજ ખાચરના મકાનમાંથી રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દારૂની 104 બોટલ ઝડપી લીધી હતી. પોલીસે રૂ.39 હજારની કિંમતનો દારૂ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, જિલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચના મુજબ, રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલની રાહબરીમાં ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ ભોજાભાઇ ત્રમટા, મથુરભાઈ વાસાણીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કોઠી ગામે રહેતા જયરાજ અનકભાઈ ખાચરએ પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. સ્થળ પર દરોડો પાડતા આરોપી તેના ઘરે હાજર નહોતો. પણ ઘરની તલાસી લેતા દારૂની 104 બોટલો મળી આવી હતી. જે કબ્જે કરી જસદણ પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.