Chhattisgarh,તા.07
છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથેની અથડામણ સતત વધતી જઈ રહી છે. ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) મોડી રાતે તો જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. લગભગ 200 જેટલાં નક્સલીઓએ એકસાથે હુમલો કરી દેતાં સ્થિતિ ગંભીર બની હતી. પરંતુ એલર્ટ સૈન્ય જવાનોએ આ હુમલાને બહાદુરીપૂર્વક નિષ્ફળ બનાવી દીધો હતો.
બે જવાનો ઘાયલ થયા
આ હુમલાનો જવાબ આપતી વખતે બે ભારતીય જવાનો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર બીજાપુર જિલ્લાના જીડપલ્લી-2 ખાતે બે દિવસ પહેલા જ સૈન્ય કેમ્પ ખુલ્લુ મૂકાયું હતું. આ અવસરે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જીતેન્દ્ર યાદવ પણ ત્યાં હાજર હતા. એ સમયે 200 જેટલા નક્સલીઓએ એકસાથે હુમલો કરી દીધો હતો.
હુમલામાં ઘાતક હથિયારોનો પ્રયોગ
માહિતી અનુસાર નક્સલીઓએ આ દરમિયાન બેરેલ ગ્રેનેડ લોન્ચરની સાથે આધુનિક હથિયારો વડે હુમલો કર્યો હતો. લગભગ ચાર કલાક સુધી ચાલેલી અથડામણમાં સતત સામ-સામે ફાયરિંગ થતું રહ્યું હતું. પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની આગેવાનીમાં જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેના બાદ નક્સલીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.