New Delhi, તા.30
જગત પ્રકાશ નડ્ડા બાદ ભારતીય જનતા પાર્ટીની કમાન કોણ સંભાળશે? આ અંગે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે, પાર્ટીના શીર્ષ પદ પર મહારાષ્ટ્રના નેતા બેસી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર કંઈ પણ કહેવામાં નથી આવ્યું. હકીકતમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને વડાપ્રધાન મોદીની શનિવારે થયેલી મીટિંગ બાદ આ ચર્ચાને હવા મળી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના અંત સુધીમાં ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે. એક અહેવાલ પ્રમાણે પાર્ટી પ્રમુખના પદ માટે પાર્ટી કેટલાક નામો પર વિચાર કરી રહી છે, જેમાંથી બે નેતાઓ મહારાષ્ટ્રના હોઈ શકે છે. તેમાં ફડણવીસ ઉપરાંત પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેનું નામ સામેલ થઈ શકે છે. આ અંગે ભાજપ તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું.
ફડણવીસે મોદી સાથે કરી મુલાકાત
અહેવાલ પ્રમાણે સૂત્રોએ જણાવ્યું કે, પત્ની-પુત્રી સાથે ફડણવીસની મોદી સાથેની મુલાકાતે આ ચર્ચાને વેગ આપ્યો છે કે, ભાજપનું ટોચનું નેતૃત્વ ફડણવીસને આ પદ પર રાખવા માંગે છે. આ અગાઉ સંઘ અને ભાજપ વચ્ચે નામોને લઈને મતભેદ હતા, જેના કારણે ટોચના પદ પર નિમણૂકો નથી થઈ શકી. જોકે, હવે ફડણવીસના નામ પર સહમતિ સધાઈ રહી હોયો તેવું નજર આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ફડણવીસ અને મોદી વચ્ચેની મુલાકાત મહત્વપૂર્ણ છે.
મંત્રી કે અધ્યક્ષ?
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસને લઈને પાર્ટીમાં બે મત છે કે તેમને પ્રમુખ બનાવવા કે પછી કેબિનેટમાં મંત્રી. અહેવાલમાં સૂત્રોનો હવાલો આપતા એ પણ જણાવવામાં આવ્યું છે કે, RSS ફડણવીસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના પક્ષમાં છે, જેથી ફડણવીસ કેન્દ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવી શકે અને તૈયાર થઈ શકે, કારણ કે કેન્દ્રમાં ભાજપ સરકાર તેમના માટે કુશનનું કામ કરશે.
મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સાથે મળીને સરકાર બનાવી હતી. ત્યારબાદ શિવસેનામાં ભંગાણ પડ્યું અને મોટી સંખ્યામાં ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવી ગયા. રાજ્યમાં ભાજપ અને શિંદે જૂથે સરકાર બનાવી અને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારે ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા.