Manu Bhakar and Sarabjot Singh રચ્યો ઇતિહાસ, મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો

Share:

Paris,તા.30

મનુ ભાકરે ઇતિહાસ રચી દીધો છે. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. મનુ અને સરબજોત સિંહે એર પિસ્તોલ શૂટિંગ મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો છે.

પેરિસ ઓલિમ્પિકમાં મિક્સ્ડ ડબલ્સ શૂટિંગમાં બ્રોન્ઝ મળતા જ ભારતને બે મેડલ મળી ગયા છે. ઓલિમ્પિકમાં આજે ચોથા દિવસે ભારતીય એથ્લિટસ દેશ માટે વધુ મેડલ લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા. શૂટિંગમાં ભારત પાસે એર પિસ્તોલ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાની આશા હતી. જે આશા ભારતીયોને ફળી છે. હરિયાણાની મનુ ભાકરે ભારતને બીજો મેડલ અપાવ્યો છે. સરબજોત સિંહ સાથે મળીને તેણે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતી બતાવ્યો છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય બની ગઈ છે.

મનુ ભાકર અગાઉ 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. હરિયાણાની આ 22 વર્ષીય ખેલાડીએ ઇતિહાસ રચી દીધો છે. મનુ ભાકરે આ ઇવેન્ટમાં પણ ખૂબ જ ધીરજ રાખી હતી અને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સતત પ્રભુત્વસભર રમત બતાવી હતી. સરબજોત સિંહ પણ હરિયાણાનો 22 વર્ષીય એથ્લિટ છે.

એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય

ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હોને 16-10થી હરાવ્યું હતું. ભારતે આઠ રાઉન્ડ જીત્યા હતા જ્યારે કોરિયાએ પાંચ રાઉન્ડ જીત્યા. આ સ્પર્ધામાં, 16 પોઈન્ટ મેળવનારી પ્રથમ ટીમ જીતે છે. આ સાથે મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તે એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ છે. નોર્મન પ્રિચાર્ડે વર્ષ 1900માં બે મેડલ જીત્યા હતા, પરંતુ તેઓ મૂળ બ્રિટિશ હતા. મનુ ભાકર આવું કરનાર પ્રથમ ભારતીય છે. મનુ પહેલા આઝાદ ભારતના કોઈપણ એથ્લિટે અગાઉ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા ન હતા. સરબજોત સિંહનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. બ્રોન્ઝ મેડલ માટેની હરીફાઈમાં તેઓની શરૂઆત સારી નહોતી રહી. પ્રથમ રાઉન્ડમાં તેઓનો પરાજય થયો હતો પરંતુ ત્યાર બાદ તેમણે શાનદાર વાપસી કરતાં ઉપરાઉપરી ત્રણ રાઉન્ડ અને આખરે ટોટલ પોઈન્ટમાં પણ લીડ લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  મનુએ પોતાના પરિવાર અને દેશવાસીઓને ગૌરવ અપાવ્યું છે. તે શૂટિંગની વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ જીતનાર એકમાત્ર મહિલા બની હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *