Dwarka,તા.29
ગુજરાત ATSએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ગુજરાત ATSએ દિનેશ ગોહિલ નામના આ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલતો હતો. ATS દ્વારા હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કેટલી, કઈ કઈ માહિતી મોકલી, કેવી રીતે પાકિસ્તાનના લોકોના સંપર્કમાં આવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
છેલ્લા એક મહિના બે જાસૂસ ઝડપાયા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિના બે જાસૂસ ઝડપાયા છે. અગાઉ પણ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા પંકજ કોટિયા નામના વ્યક્તિની પોરબંદરથી ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. તે પાકિસ્તાન નેવીને કોસ્ટ ગાર્ડની ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આરોપીના ખાતામાં પાકિસ્તાનથી 26 હજાર રૂપિયા જમા થયા હતા. આ જાસૂસ પોરબંદરની તમાકુ ફેક્ટરીમાં કામ કરતો હતો.