થોરીયાળી ગામની પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી ઝેર પી જીવન ટુંકાવ્યું : પરિવારમાં શોક
Paddhari,, તા.૨૯
રાજકોટ જિલ્લાના પડધરી પંથકમાં આપઘાતના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.જેમાં ખામટા ગામે રહેતી અને રાજકોટમાં કોલેજ નો અભ્યાસ કરતી યુવતીએ કોલેજની ફી ભરવામાં મોડું થતા ફાંસો ખાઈ લીધો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું,જયારે થોરીયાળી ગામે માનસિક બિમારીથી કંટાળી ઝેર પી આપઘાત કરી લેતા મહિલાનું મોત થતાં એમ બંનેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પડધરીના ખામટા ગામે રહેતી અને રાજકોટમાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હેતલબેન ભરતભાઈ વાઘેલા (ઉ.વ.૨૦) નામની યુવતીએ ગત તા.૨૨ એ ઘરે પાઈપમાં સાડી બંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો જોઈ જતા તેણીને નીચે ઉતારી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી પરંતુ અહીં આજે વહેલી સવારે તેણીનું મોત નીપજતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં તેણીને કોલેજની ફી ભરવાની હોય જેમાં મોડું થતા આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે આશાસ્પદ યુવતીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જયારે પડધરીના થોરીયાળી ગામે વાડીમાં રહી મજુરીકામ કરતા લક્ષ્મીબેન ગજાભાઈ વાસ્કેલ (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ ગત ૧૯ તારીખે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ હતી જેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં સંતાનમાં બે પૂત્ર હોવાનું અને માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.