વાંકાનેર પંથકનો યુવાનને ચાંદીપુરાના લક્ષણ : બ્લડ સેમ્પલને ગાંધીનગર મોકલાયા
Rajkot, તા.૨૯
ચાંદીપુરાએ રાજ્યભરમાં કહેર મચાવ્યો છે ત્યારે હાલ સુધીમાં ચાંદીપૂરાના લક્ષણો બાળકો સુધી સિમીત હતા પરંતુ તેના લક્ષણો સાથે એક યુવાન રાજકોટ સિવિલમાં દાખલ થતાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. વાંકાનેરના ૧૮ વર્ષીય યુવકની સાથે લોધીકા અને મોરબી રોડ પર વધુ બે બાળકોને પણ ચાંદીપૂરા હોવાની શંકાએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રથમ યુવક સિવિલમાં દાખલ થતાંની સાથે તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.યુવકના બ્લડ સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે.
ચાંદીપૂરામાં હાલ સુધી શંકાસ્પદ કે પોઝિટીવ વાયરસમાં બાળકો જ કેન્દ્ર સ્થાને હતા, પરંતુ હાલ તેમાં યુવાનો પણ સપડાતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ૧૮ વર્ષીય યુવકની તબિયત લથડતા તેમાં ચાંદીપૂરા વાયરસના લક્ષણો જણાતા તેને દાખલ કરી સેમ્પલ પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.આ યુવાનના હાલ સુધીના મેડિકલ રિપોર્ટ પર ધ્યાન દોરીએ તો તે ૨૦ દિવસ પહેલા દ્વારકા અને ૪ દિવસ પહેલા તરણેતરથી આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.તે ઉપરાંત એક ૯ વર્ષીય લોધીકાના બાળકને પણ ચાંદીપૂરાના લક્ષણો જણાતાં તેને ઝનાનામાં સ્પેશ્યલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જેની ટ્રાવેલીંગ હિસ્ટ્રીમાં તેઓ ૧૦ દિવસ પૂર્વે જ મધ્યપ્રદેશથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે હાલ સિવીલ હોસ્પિટલમાં ચાંદીપૂરા શંકાસ્પદના ૫ અને પોઝિટીવમાં બે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ રીતે ખાનગી હોસ્પિટલની વાત કરવામાં આવે તો ગત શનિવારના રોજ મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેના વિસ્તારમાંથી એક ત્રણ વર્ષના બાળકને દાખલ કરવામાં આવ્યો છે.જેમાં વાયરસના લક્ષણો જણાતા તેના સેમ્પલ ગાંધીનગર માટે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.