Jaipur,તા.29
પાસપોર્ટ બનાવડાવવા અથવા રિન્યુ કરાવવા માટે રાહ જોતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે, પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટીવ હશે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાશે નહીં.
હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નેગેટીવ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચીત કરી શકાય નહીં. જસ્ટિસ અનુપકુમાર ધંડની બેન્ચે જણાવ્યું હતું કે, પાસપોર્ટ ઓથોરિટી પોલીસ રિપોર્ટથી બંધાયેલી નથી.
સાવિત્રી શર્મા વિ. યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં સાવિત્રી શર્માની અરજી પર સુનાવણી કરતા બેન્ચે તેના ચૂકાદામાં કહ્યું હતું કે, એક પ્રતિકુળ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નાગરિકને પાસપોર્ટ મેળવવાના તેના કાયદાકીય અધિકારથી વંચિત કરી શકે નહીં. તે પાસપોર્ટ સત્તાધિકારી નકકી કરશે કે વેરિફીકેશન રિપોર્ટમાં અરજીકર્તા વ્યક્તિના તથ્યોને ધ્યાનમાં રાખીને તેને પાસપોર્ટ જારી કરવો કે નહીં.
જો કે, કોર્ટે પાસપોર્ટ વિભાગને સ્વતંત્રતા આપી છે કે જો પોલીસ વેરિફીકેશનમાં કંઈક ગરબડ મળી આવી હોય તો તેઓ કાયદા મુજબ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.
આ સાથે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને પાસપોર્ટ ઓફિસરને અરજદારની પાસપોર્ટ રિન્યુઅલની અરજીનો 8 સપ્તાહની અંદર નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, પાસપોર્ટ કે ટ્રાવેલ ડોકયુમેન્ટ આપવાનો નિર્ણય પાસપોર્ટ ઓથોરિટી દ્વારા જ લેવામાં આવે.
આ કેસમાં અરજદારનો પાસપોર્ટ મે, 2022 સુધી માન્ય હતો. પરંતુ પોલીસ વેરિફિકેશન દરમિયાન તેનો નેગેટીવ રિપોર્ટ આવતાં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. અરજદારે આને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને પાસપોર્ટ રિન્યુ કરી આપવા વિનંતી કરી હતી.