નાના ગુનાઓમાં લોકો પકડાય છે, તો અદાણી કેમ નહીં: Rahul Gandhi

Share:

ખરેખર તો, આ ખુલાસા બાદ  ઈડી અને સીબીઆઈએ તેની તપાસ કરવી જોઈએઃ જયરામ રમેશ

New Delhi, તા.૨૮

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને જેલમાં પુરવાની માગ કરી છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકાની કોર્ટ દ્વારા લગાવાયેલાં લાંચ અને છેતરપિંડીના આક્ષેપો મામલે કોંગ્રેસના નેતાએ મોદી સરકાર પર આકારા શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, નાના નાના ગુનાઓ બદલ દેશમાં હજારો લોકોની ધરપકડ કરવામાં આવે છે ત્યારે અદાણીને હજી સુધી જેલમાં કેમ નથી પુરવામાં આવ્યાં. રાહુલે સરકાર પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ‘મોદાણી’(મોદી અને અદાણી)ની ઈકોસિસ્ટમ અદાણી વિરુદ્ધ થયેલાં ગંભીર આરોપોને હળવા બનાવવા પ્રયાસ કરી રહી છે.સંસદ પરિસરમાં બોલતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, શું તમને લાગે છે કે અદાણી તેમની વિરુદ્ધના આક્ષેપોનો સ્વીકાર કરશે? તમે કઈ દુનિયામાં રહો છો? મૂળ વાત એ છે કે તેમની ધરપકડ થવી જોઈએ. અમેરિકાની સરકારે તેમની વિરુદ્ધ હજારો કરોડની લાંચનો અને છેતરપિંડીના આરોપો મુક્યા છે. તેઓ જેલમાં જવા જોઈએ, પરંતુ સરકાર તેમને બચાવી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, અમેરિકન ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ઘડાયેલાં આરોપોમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે, તેમણે સોલાર પ્રોજેક્ટ હાંસલ કરવા માટે ભારત સરકારના અધિકારીઓને આશરે શ્૨,૦૨૯ કરોડની લાંચ આપવાનું વચન આપ્યું હતું. ખરેખર તો, આ ખુલાસા બાદ  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સીબીઆઈએ તેની તપાસ કરવી જોઈએ.અદાણી સામે થયેલાં આક્ષેપો મામલે દેશના બે દિગ્ગજ વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. વરિષ્ઠ વકીલ તથા પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી તથા સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે, અદાણી વિરુદ્ધ કરાયેલાં આક્ષેપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ તથ્ય નથી. મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, અમેરિકાની કોર્ટ દ્વારા તૈયાર કરાયેલી ચાર્જશીટમાં ગૌતમ અદાણી કે તેમના પરિવારના કોઈ પણ સભ્ય વિરુદ્ધ આરોપો નથી. એટલું જ નહીં લાંચ આપવાના પણ કોઈ પુરાવા નથી. જેઠમલાણીએ જણાવ્યું હતું કે, અદાણી જૂથને જાણી જોઈને ટાર્ગેટ કરાઈ રહ્યું છે. તેમની વિરુદ્ધ કરાયેલાં આક્ષેપોનો હેતુ રાજકીય લાભ લેવાનો તથા જૂથની કંપનીના શેરો પર નકારાત્મક અસર પેદા કરવાનો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *