પ્રત્યેક માનુની પોતાની મનગમતી સ્ટાઈલ અને રંગના કપડાં ખરીદે છે. પરિધાનની પસંદગી વેળા પોતાને શું ફાવશે અને શું નહિ ફાવે તેની ગણતરી પણ તે મનમાં કરી રાખે છે. પણ જો નિયમિત રીતે એક જ ડિઝાઈન કે સ્ટાઈલના પોશાકને બદલે સાધારણ ફેરફાર કરવામાં આવે તો સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આ પ્રકારે કરેલા ફેરફારને ‘મેકઓવર’ કહેવામાં આવે છે. મેકઓવર કરવાનો સરળ ઉપાય ફ્યુઝન (સમન્વય)માં સમાયેલો છે. આધુનિક અને પારંપરિક સ્ટાઈલનું ફ્યુઝન, કપડાં અને એસેસરીઝનું ફ્યુઝન.
ફ્યુઝન માટે ખાસ શોપિંગ કરવાની જરૂર નથી. તમારી પાસે રહેલા કપડાં અને એસેસરીઝને અલગ પ્રકારે મિક્સ એન્ડ મેચ કરીને ફ્યુઝન સ્ટાઈલનું નિર્માણ કરી શકાય છે. યાદ રાખો કે એસેસરીઝને કારણે સાદો ડ્રેસ પણ ઉઠાવદાર દેખાઈ શકે છે. હાલમાં હેર ક્લિપ્સ, બુટ્ટી, શેંડેલિયર્સ, ઓકસડાઈઝના ઈઅરીંગની ફેશન પ્રવર્તે છે. આ એસેસરીઝ કુર્તી અને ડેનિમના પરિધાન પર અત્યંત આકર્ષક દેખાય છે. વેસ્ટર્નવેરની જેમ સલવાર કમીઝ અને એથનીક વેર (પારંપરિક વસ્ત્રો)નું પણ ફ્યુઝન કરી શકાય છે. તેમાં જુદી જુદી ડિઝાઈન અને સ્ટાઈલના દુપટ્ટા મહત્ત્વનો ભાગ ભજવે છે.
હાલમાં સ્લેક્સ અથવા સ્ટ્રેચેબલ લાયક્રા ચુડીદારની ફેશન છે. જો આવા ચુડીદાર પર સાદી કુર્તી પહેરો તો જરી વર્ક કરેલો દુુપટ્ટો પસંદ કરવો. પ્લેન વ્હાઈટ પર બ્લોક પ્રિન્ટ ત્રણ-ચાર રંગનો ડાઈ કરેલો દુપટ્ટો રુઆબદાર દેખાય છે. ભરપૂર આભલાવર્ક કરેલા બ્લેક એથનીક વેર અત્યંત સુંદર દેખાય છે. જીન્સ-કુર્તી જેવા વેસ્ટર્નવેર પર ઓંકસડાઈઝની બંગડી માળા કે હેર એસેસરીઝ જેવા પારંપરિક શણગાર શોભી ઊઠે છે. જો આવી એસેસરીઝ ન હોય તો આભલા વર્ક કરેલો દુપટ્ટો અલગ જ દેખાઈ આવે છે.
લોંગ સ્કર્ટસ અથવા જિપ્સી એ-લાઈન સ્કર્ટ યુવતીના વ્યક્તિત્વ અને બોડી લેન્ગવેજને ગ્રેસફુલ બનાવે છે. વેસ્ટર્ન સ્કર્ટસ પર ડેન્ગલર્સ અને રંગીન મોતીની માળા જેવી ચંકી જ્વેલરી શોભે છે. ઓફિસમાં જવા એ-લાઈન સ્કર્ટ્સ પર ફોર્મલ ટોપ તથા કેઝ્યુઅલવેરમાં ટેંક ટોપ પહેરી શકાય છે. આના પર પ્લાસ્ટિક કે એક્રેલિકના બ્રેસલેટ વ્યક્તિત્વને નિખારે છે.
ફેબ્રિક બ્લેન્ડિંગ દ્વારા પણ ફ્યુઝન સ્ટાઈલનું સર્જન થાય છે. કોટનના એથનીક કુર્તામાં વેલ્વેટ કે સિલ્કનો યોક લગાડવાથી સંપૂર્ણ લુક બદલાઈ જાય છે. પ્લેન ટૉપ પર ફેબ્રિક પેન્ટિંગ અથવા ટી-શર્ટ પર મેસેજ અથવા મસલિનના દુપટ્ટા પર પેન્ટિંગ કરવાથી પણ તે અલગ દેખાશે. એબ્સ્ટ્રેકટ ડિઝાઈન અને એનિમલ પ્રિન્ટ પર એસેસરીઝનો ઉપયોગ કરીને તમે તમારી ફ્યુઝન સ્ટાઈલ તૈયાર કરી શકો છો.
હાલમાં જીન્સ કરતાં સલવાર-કમીઝ પહેરવાનું ચલણ વધારે જોવા મળે છે. આથી જ ફેશન ડિઝાઈનરથી લઈને મોલ તથા નાની દુકાનોમાં સલવાર કમીઝની ભરપૂર વેરાઈટી જોવા મળે છે. સ્ટ્રેટ ફિટ, પટિયાલા સલવાર, અનારકલી અને ગળાની આસપાસ એમ્બ્રોઇડરી જેવી વિવિધ ડિઝાઈનના સલવાર-કમીઝ જોઈને દિલ ખુશ થઈ જાય છે. સ્ટ્રેટ ફિટ કમીઝ, નોર્મલ બોટમ ધરાવતી સલવાર અને ચુડીદારની સ્ટાઈલ હજુ થોડો સમય જોવા મળશે. તે જ પ્રમાણે તેના પર ઝરદોશી વર્કનો ટ્રેન્ડ પણ રહેશે. આ ફેશનને કારણે એમ્બ્રોઇડરી, ઝરદોશી, કશિદા વર્ક કરનારા કારીગરોને રોજગાર પ્રાપ્ત થઈ રહ્યો છે.
સલવાર-કમીઝનું આધુનિક રૂપ એટલે જીન્સ અને શોર્ટ કુર્તી. જીન્સ પર શોર્ટકુર્તી પહેરીને તેના પર દુપટ્ટાને સ્કાર્ફની જેમ સ્ટાઇલીશ રીતે રાખતાં સુંદર દેખાશે. લાયક્રા ચુડીદાર અને દુપટ્ટામાં પણ ભરપૂર વૈવિધ્ય બજારમાં જોવા મળે છે.
લાઈટ સિલ્ક, શિફોન, મસલિન જેવા ફેબ્રિકમાં લેસ, સાટિનની રિબિન, વુડન બિડ્સ કે એમ્બ્રોઈડરી કરીને તૈયાર થતો પોશાક અત્યંત સેક્સી દેખાય છે. સલવાર-કમીઝ સીવવા આપતી વખતે પોશ્ચર પ્રમાણે કમીઝનું ફિટિંગ આવે તે વાત ધ્યાનમાં રાખવી. ઊંચી યુવતીઓને પટિયાળા અથવા ઘેર હોય તેવી સલવાર સરસ લાગે છે. જ્યારે ઓછી ઉંચાઈ ધરાવનારી યુવતીઓએ સ્લિમ ફિટ સલવાર પસંદ કરવી. ભરાવદાર શરીર ધરાવતી માનુનીઓએ ઘેરા રંગની સલવાર પહેરવી જેથી સ્લિમ લુક આવે તે જ પ્રમાણે ઝિગઝેગ પ્રિન્ટની સલવાર પણ સ્લિમ લૂક આપે છે.