Perth, તા.25
બોર્ડર – ગાવસ્કર ટેસ્ટ સીરીઝના પ્રથમ ટેસ્ટમેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનના તોતીંગ માર્જીનથી હરાવીને મહાજીત મેળવી હતી. 16 વર્ષ બાદ ભારતે પર્થમાં વિજય વાવટો ફરકાવ્યો હતો. ટેસ્ટમાં આઠ વિકેટ લેનાર ભારતીય કપ્તાન જસપ્રીત બૂમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
પર્થ ટેસ્ટમાં આજે ચોથા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે 12 રનથી દાવ આગળ ધપાવ્યો હતો. પાંચ રનના ઉમેરામાં ચોથી વિકેટ ગુમાવી બેઠું હતું. ગઇકાલે અણનમ રહેલા ઉસ્માન ખ્વાજાના શિકારે 4 રને વિકેટ પાછળ પંતના હાથમાં સપડાવી દીધો હતો. સ્ટીવ સ્મીથ સાથે જોડાયેલા ટ્રેલિસ હેડે સંભાળભરી રમત શરૂ કરી હતી. 62 રનની ભાગીદારી થઇ ત્યારે ફરી સિરાજ ત્રાટક્યો હતો અને સ્મીથને 17 રને આઉટ કર્યો હતો.
હેડ તથા મીચેલ માર્શે મેચ બચાવવા ભગીરથ પ્રયાસ કર્યો હતો. ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરીને 6ઠ્ઠી વિકેટમાં 82 રનની ભાગીદારી નોંધાવી હતી. હેડ ઝડપી રતમ સાથે સદીની નજીક પહોંચવા લાગ્યો ત્યારે બુમરાહ ત્રાટક્યો હતો. હેડને 85 રને વિકેટ પાછળ ઝીલાવ્યો હતો. તેણે 101 દડામાં 8 ચોક્કા સાથે 89 રન કર્યા હતા.
આ જોડી તૂટવા સાથે ફરી વખત નિયમિત અંતરે વિકેટો ખડવા લાગી હતી. મીથેલ માર્શ 67 દડામાં ત્રણ છગ્ગા અને 3 ચોક્કા સાથે 47 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મીચેલ સ્ટાર્ક 12, લાયન શૂન્ય રને આઉટ થયો હતો. છેવટ સુધી એકલા હાથે ઝઝુમતા કેરીને 36 રને હર્ષિત રાણાએ ક્લીન બોલ્ડ કરતાં ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 238 રનમાં પુરો થયો હતો. આ સાથે ભારતે 295 રનથી મહાવિજય મેળવ્યો હતો.
ભારત તરફથી બૂમરાહ અને સિરાજે 3-3, વોશિંગ્ટન સુંદરે 2 તથા હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડીએ 1-1 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ મેચમાં આઠ વિકેટ ઝડપનાર બુમરાહ મેન ઓફ ધ મેચ થયો હતો. ભારત 16 વર્ષ બાદ પર્થમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ પૂર્વે 2017 સુધી પર્થના વાકા સ્ટેડિયમમાં મેચ રમાતા હતા. 2018થી ઓપ્ટસ સ્ટેડિયમમાં મેચ રમાય છે જ્યાં ભારતની પ્રથમ જીત છે.
► ભારત છેલ્લે 2008માં પર્થમાં ટેસ્ટ જીત્યું હતું
ભારતે પર્થ ટેસ્ટમાં મહાવિજય હાંસલ કર્યો છે. છેલ્લે 2008માં જીત મેળવ્યા બાદ 16 વર્ષે આ જીત મેળવી હતી. આ પૂર્વે 2008માં અનિલ કુંબલેની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાને 72 રને હરાવ્યું હતું.
► ભારત ઓસ્ટ્રેલિયા સામે 2015થી એકપણ ટેસ્ટ સીરીઝ હાર્યુ નથી
ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટક્કર કાયમ દિલધડક જ હોય છે. 2015થી ઓસ્ટ્રેલિયા સામે ભારત એકપણ ટેસ્ટ સીરીઝ હાર્યું નથી. વર્તમાન સીરીઝમાં પ્રથમ મેચ જીતી લીધો હતો. હવે એડીલેડ, બિસબેન, મેલબર્ન તથા સિડનીમાં ચાર ટેસ્ટમેચ રમાશે.
► પર્થના 6 મુકાબલાના પરિણામ
પર્થમાં 2017 સુધી ટેસ્ટમેચ વાકા સ્ટેડિયમમાં રમાતા હતા. 1970માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 2 વિકેટે હરાવ્યું હતું. 1992માં 300 રને ઓસીઝની જીત થઇ હતી. 2008માં ભારતે 72 રને જીત મેળવી હતી. 2012માં ઓસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 37 રને ભારતને હરાવ્યું હતું.
2017થી ટેસ્ટ મુકાબલા ઓપ્ટસ સ્ટેડિયમમાં શરૂ થયા હતા. 2018માં ભારતની 146 રને હાર થઇ હતી. હવે બીજા મુકાબલામાં ભારતે જીત હાંસલ કરીને બદલે લઇ લીધો છે.