Patan , તા.૨૩
ગુજરાતમાં પટોળા માટે પ્રખ્યાત પાટણ ખાતે આવેલી રાણીની વાત ગુજરાતના સ્મારકો અને કલાનો ઉત્કૃષ્ટ વારસો છે. રાણીની વાવના જળ વ્યવસ્થાપન તેમજ કલાના ઉત્કૃષ્ટ વારસાને ધ્યાનમાં રાખીને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૪માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું. રાણીની વાવની કલાકૃતિને નીહાળવા માટે રાજ્ય, દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યારે છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ ખાતે દેશભરમાંથી આશરે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવ્યાં છે, જેમાંથી લગભગ ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ મુલાકાત લીધી.
ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં ૧૯ નવેમ્બરથી ૨૫ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય ચલણી ૧૦૦ રૂપિયાની નોટમાં પણ રાણીની વાવનું ચિત્ર અંકિત કરાયું છે. બીજી તરફ, રાણીની વાતની અદભૂત કલાકૃતિ નીહાળવા માટે દેશવિદેશથી પ્રવાસીઓ આવે છે.
રાણીની વાવની અદભૂત કળા અને કોતરણી નીહાળવા માટે ગત વર્ષ ૨૦૨૩-૨૪માં આશરે ૩.૫૨ લાખથી વધુ ભારતીય અને ૩,૩૨૭ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે ઑક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૧.૫૮ લાખથી વધુ ભારતીય અને ૯૬૨ વિદેશ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૬માં રાણીની વાવ ’આઈકોનિક ક્લીન પ્લેસ’ તરીકે પસંદગી પામ્યું હતું, આ પછી નરેન્દ્ર મોદીના હસ્તકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગુજરાતમાં પ્રાચીન કાળમાં લગભગ ૬૦૦ વર્ષોથી વધુ સમય ગુજરાતની ઐતિહાસિક રાજધાની પાટણ રહ્યું હતું. પાટણમાં પ્રતાપી સોલંકી વંશે ઈ.સ. ૯૪૨ થી ૧૧૩૪ના મધ્ય કાળ સુધી શાસન કર્યું. જે એ સમયે પશ્ચિમ ભારતની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. આ દરમિયાન પાટણમાં કેટલાક મંદિરો, મસ્જિદો, મકબરા, વાવ અને તળાવોનું નિર્માણ કરાયાં. જેમાં એક પ્રખ્યાત રાણીની વાવ કલા અને સ્મારકો દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ વારસો છે, જ્યાંની જળ વ્યવસ્થાપન તેમજ કલાનું એક અલગ નજરાણું મુલાકાતીઓને નીહાળવા મળે છે. પાટણ જિલ્લાના પાટણ શહેરથી લગભગ બે કિ.મી. સરસ્વતી નદીના તટ પર રાણીની વાવ આવેલી છે. ઈ.સ. ૧૦૨૨થી ૧૦૬૩ દરમિયાન ’સુવર્ણ યુગ’ તરીકે ઓળખાતા સોલંકી વંશના પ્રતાપી શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વાવની દિશા પૂર્વ-પશ્ચિમ અને તેનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે.
આ વાવની લંબાઇ ૬૩ મીટર અને પહોળાઈ ૨૦ મીટર તથા ઉંડાઈ ૨૭ મીટર જેટલી છે. તેનું બાંધકામ મુખ્યત્વે ઇંટો દ્વારા કરવામાં આવ્યું છે. જેના ઉપરનો ભાગ પથ્થરોથી કંડારવામાં આવ્યો છે. વાવના મુખ્ય બે ભાગ છે, જેનો પૂર્વ ભાગ ૭ માળનો પગથીયાવાળો, ગલીયાળો તથા પશ્ચિમ ભાગ તરફનો કૂવો ગલીયારા સાથે જોડાયેલો છે.
મળતી માહિતી પ્રમાણે, દેશની આઝાદી પહેલા એટલે કે ઈ.સ. ૧૯૩૬માં રાણીની વાવને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે સંરક્ષિત ઘોષિત કરી હતી. ઈ.સ. ૧૯૬૨-૨૩માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે આ સ્થળે ઉત્ખનન કાર્યનો પ્રારંભ કર્યો, જેના ફળસ્વરૂપે રાણીની વાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
ઉત્ખનન કાર્ય દરમિયાન રાણી ઉદયમતિની દેવનાગરી ભાષામાં લખાણવાળી પ્રતિમામાં મહારાજ્ઞી (મહારાણી) શ્રી ઉદયમતિ લખાણ હતું. જૂના લખાણોના આધાર પર આ વાવ લગભગ ૧૩મી સદીની હોવાનું માનવામાં આવે છે, જે રાણી ઉદયમતિ દ્વારા નિર્મિત હોવાનું જણાયું હતું. જ્યારે યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૪માં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું.