ઝીનત અમાન છેલ્લાં થોડાં વખતથી ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ થઈ ગયાં છે
Mumbai, તા.૨૭
ઝીનત અમાન છેલ્લાં થોડાં વખતથી ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ થઈ ગયાં છે. તે પોતાની મોડર્ન તસવીરો, થ્રોબેક તસવીરો અને પોતાના વિચારો રજૂ કરતાં રહે છે. ત્યારે હવે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફરિયાદના સૂર ઉઠાવ્યા છે. ઝીનત અમાને ફરિયાદ કરી છે કે વિવિધ બ્રાન્ડ તેમને ‘આઈકોન’ અને ‘ફેશન ઇન્સ્પિરેશન’ તો ગણાવે છે, પરંતુ જ્યારે વળતરની વાત આવે ત્યારે તેમનો ઉત્સાહ ઓસરી જાય છે. ઝીનતની ફરિયાદમાં પ્રિયંકા સામે પણ નારાજગી જોવા મળી હતી. પ્રિયંકાનું નામ લીધા વગર તેમણે પ્રિયંકા પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા તેમની આ કોમેન્ટનો જવાબ આપે તો ‘ડોન ગર્લ્સ’ વચ્ચે વિવાદ ઊભો થઈ શકે છે. ઝીનતે તેમની મળતી હલકી ઓફર્સ અને બ્રાન્ડ કૉલબરેશન રિક્વેસ્ટ અંગે રોષ ઠાલવ્યો છે. તેમણે કોઈનું નામ લીધાં વિના કહ્યું, જે કરોડપતિ બ્રાન્ડ ઇચ્છે છે કે ઝિન્નત તેમનો પ્રચાર કરે તે સાવ ઓછી ફી બાબતે કેવું બેઅદબીભર્યું વર્તન કરે છે. આ પોસ્ટમાં ઝીન્નતે લખ્યું,“થેંક યુ, બટ નો થેંક યુ. હું તમને મારી ચોક્કસ કિંમત નહીં જણાવી શકું, પણ જ્યારે મારું અવમૂલ્યન થાય ત્યારે મને ખબર પડે છે. મારા ઇનબોક્સમાં દરરોજ જે હાજરી આપવાની અને કૉલબરેશન કરવાની જે ઓફર આવે છે, તેમાં કેટલીક અણગમતાં કારણોસર અલગ તરી આવે છે. છેલ્લી ઘડીના આમંત્રણ, જેમાં આયોજકો સુધારો કરવાનો ભુલી ગયા હોય(જે બીજા સેલેબ્રિટીના નામે બન્યા હોય પણ તેમણે આવવાનો ઇનકાર કરી દીધો હોય) એ થોડાં અપમાનજનક લાગે છે. નમ્રતા વિનાના ઇમેઇલ, જેમાં કહેવા પૂરતી જ માહિતી હોય અને તોછડાઈ પૂર્વકનાં ‘શેર કમર્શિયલ’ની ઓફર હોય તેના પર બહુ ગુસ્સો આવે છે, અને પેઇડ પાર્ટનરશિપ વિના સ્ટોરીઝ કે કમેન્ટ્સ પોસ્ટ કરવા માટે જે હલકા પ્રકારની પ્રપોઝલ્સ આવે છે તે બિલકુલ ગમે તેવી હોતી નથી.” આ ટેક્સ્ટમાં તેમણે આગળ એક કિસ્સા વિશે વાત કરતાં લખ્યું હતું,“છતાં પણ આ બધાંમાં એક મોટી મલ્ટિમિલિયન ડૉલર બ્રાન્ડ જે મારી પાસે બ્રાન્ડ અસોસિએશન માટે પ્રચારની અપેક્ષા રાખે છે અને હાસ્યાત્મક રીતે ઓછી ફી આપે છે તેની તોલે તો કોઈ આવે એમ નથી. આવી લક્ઝરી બ્રાન્ડ તેમના એમ્બેસેડર(જેમાંથી એકે તો મારો કરેલો રોલ ફરી સુંદર રીતે ભજવ્યો હતો)ને સાવ આંખમાં પાણી આવી જાય એવું પરચૂરણ વળતર આપે, અને તેમ છતાં તેમની સાવ સામાન્ય આઇટમ લાખો રૂપિયામાં વેંચે. તેમણે મારો સંપર્ક કર્યો ત્યારે તેઓ મારા વખાણ કરવામાં જરા પણ પાછાં પડ્યાં નહોતા, મને ‘આઈકોન’ અને ‘ફેશન ઇન્સ્પિરેશન’ ગણાવતા હતા. પરંતુ જ્યારે મારા સમય, ઉર્જા, છાપ અને પહોંચના બદલામાં વળતર આપવાની વાત આવી ત્યારે તેમનો ઉત્સાહ ઓગળી ગયો.”