કેટરિના કૈફ ફિટનેસ અને ફ્લેક્સિબલ બૉડી માટે કેટલી કમિટેડ છે તે તો બધાં જ જાણે છે
Mumbai, તા.૨૭
કેટરિના કૈફ ફિટનેસ અને ફ્લેક્સિબલ બૉડી માટે કેટલી કમિટેડ છે તે તો બધાં જ જાણે છે. તેનીં કોમ્પિટીટર્સ મનાતી એક્ટ્રેસ પણ કેટરિનાની ફિટનેસના વખાણ કરે છે. આ સાથે તે પોતાની લાઇફ સ્ટાઇલ અને ડાયેટ બાબતે પણ બહુ જ ચોક્કસ છે. ત્યારે કેટરિનાની રેગ્યુલર ન્યુટ્રીશનિસ્ટ શ્વેતા શાહે યોગા ટ્રેઇનર શ્લોકા સાથે એક ઇન્ટરવ્યૂમાં તેના ડાયેટ અને તે પોતાના બૉડીને કેટલું સારી રીતે સમજે છે તે અંગે વાત કરી હતી. શ્વેતાએ કહ્યું,“મેં જોયું છે કે કેટરિના પોતાનાં શરીરનું બહુ ઝીણવટપૂર્વક નિરિક્ષણ કરે છે અને તેને બહુ સારી રીતે સમજે છે. તે આંખ બંધ કરીને તમે કશું કહેશો કે ઇન્ટરનેટ પરથી કશુંક માની નહીં લે. એ એવી વ્યક્તિ છે જેને દરેક બાબતનો જવાબ જોઈએ છે. તે ખોરાકને દવાની જેમ સમજે છે, તે મારી પાસે આવીને માત્ર અમુક વૈકલ્પિક ખોરાક વિશે જ પૂછે છે, જેમકે, આયર્ન માટે શું લેવું, કે તે કયું જ્યુસ લઈ શકે.” શ્વેતાએ આગળ કહ્યું,“કેટરિનાને આયુર્વેદ ગમે છે અને તેના કેટલાંક જાતે કરી શકાય તેવા પ્રયોગોમાં માને પણ છે, જેમકે, ઓઇલ પૂલિંગ, શતપવલી (જમ્યા પછી સો પગલાં ચાલવા), નસ્યકર્મ વગેરે કરે છે.” કેટરિના પોતાના બૉડીને કઈ રીતે સમજે છે, તે અંગે શ્વેતાએ કહ્યું,“તેનું શરીર પિત્ત પ્રકૃતિનું છે. તેથી અમારે તેને ઠંડક થાય તેવું જ ભોજન આપવું પડે છે. આજની તારીખે તે કાળી દ્રાક્ષ કાજુ અને વરિયાળી, દૂધીનું જ્યુસ ફરજિયાત પીવે છે. જો તે ઉપલબ્ધ ન હોય તો તે ફુદીનો, આમળા અને કોથમીરનો રસ પીવે છે. તે દિવસમાં બે વખત ભોજન જ લે છે, તે દર બે કલાકે ખાધા કરે તેવી વ્યક્તિ નથી. તે ઘરનું ખાવાનું જ ખાય છે અને પોતાનો ડબ્બો બધે સાથે લઈ જાય છે. તે વહેલી સૂવે છે અને વહેલી ઊઠે છે. ”