Guyana,તા.21
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુયાના (Guyana)ના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ડો.ઈરફાન અલીએ વડાપ્રધાન મોદીને આ વિશેષ સન્માન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આપી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘ગુયાનાના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ એક્સલન્સ’થી મને સન્માનિત કરવા બદલ હું રાષ્ટ્રપતિ ડો. ઈરફાન અલીનો આભાર માનું છું. આ સન્માન ભારતના 140 કરોડ લોકોની ઓળખ છે.’
‘અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યા છીએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘ભારત અને ગુયાના સંબંધો આપણા સહિયારા ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. રાષ્ટ્રપતિ ઈરફાન અલીએ વ્યક્તિગત રીતે આ સંબંધોને અભૂતપૂર્વ ઊંચાઈઓ પર લઈ જવામાં મોટું યોગદાન આપ્યું છે, તેમના નેતૃત્ત્વમાં અમે સતત દરેક દિશામાં આગળ વધી રહ્યા છીએ.’
ગુયાના સાથેના સંબંધો અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજની ચર્ચામાં મને ભારતના લોકો પ્રત્યેનો તેમનો સ્નેહ અને સન્માન લાગ્યું. ભારત પણ દરેક ક્ષેત્રમાં ગુયાના સાથે ખભે ખભા મિલાવીને ચાલવા તૈયાર છે. બે લોકશાહી તરીકે અમારો સહયોગ માત્ર દ્વિપક્ષીય સંબંધો માટે જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે મહત્ત્વપૂર્ણ છે.’
પીએમ મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ સન્માન મળ્યું
ડોમિનિકાએ વડાપ્રધાન મોદીને કોરોના મહામારી દરમિયાન કેરેબિયન રાષ્ટ્રને મદદ કરવામાં તેમના યોગદાન અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા માટેના તેમના સમર્પણ માટે દેશના ટોચના એવોર્ડથી સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન મોદીને બુધવારે (20મી નવેમ્બર) ભારત-CARICOM સમિટ દરમિયાન ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન દ્વારા “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” આપવામાં આવ્યો હતો.