NEW DELHI,તા,19
એક રિપોર્ટ અનુસાર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી સમયમાં ભારતની મુલાકાત લઇ શકે છે. તેમની આ મુલાકાતની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિની ભારતની મુલાકાત માટેની તારીખો નક્કી કરવા માટેની છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે.’ જો કે અત્યાર સુધી ભારત સરકારે આ મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી નથી.
મોદીએ પુતિનને આપ્યું હતું આમંત્રણ
ગયા મહિનાની શરૂઆતમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કઝાનમાં 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા ગયા હતા. ત્યારે મોદીએ રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે રાષ્ટ્રપતિને આવતા વર્ષે 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી પણ ભારતની મુલાકાતે આવી શકે છે
અહીં તમને જણાવી દઈએ કે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકી પણ વર્ષના આ અંત સુધીમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને પોતે કહ્યું છે કે, અમે આ મુદ્દે ભારત, ચીન અને બ્રાઝિલના સંપર્કમાં છીએ.