Iran ના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરી લીધો

Share:

Iran,તા.18

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ પોતાનો ઉત્તરાધિકારી પસંદ કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ખૂબ જ ગુપ્ત રીતે ખામેનેઈના નાના દીકરા મોજતબા ખામેનેઈને દેશનો નવો સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાષ્ટ્ર પ્રમુખ ઇબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટર અકસ્માતમાં થયેલા મોતના ષડયંત્રમાં મોજતબાનું નામ સામે આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ઈરાનની એક્સપર્ટ એસેમ્બલીએ 26 સપ્ટેમ્બરે દેશના નવા સુપ્રીમ લીડરની પસંદગી કરી લીધી હતી. ખુદ ખામેનેઈએ એસેમ્બલીના 60 સભ્યોને બોલાવીને ગોપનીય રીતે ઉત્તરાધિકારી પર નિર્ણય લેવાનું કહ્યું હતું. એસેમ્બલીએ સર્વસંમતિથી મોજતબાના નામ પર સંમતિ વ્યક્ત કરી હતી. 

રાષ્ટ્ર પ્રમુખ રઈસીની મોત બાદ વધ્યું કદ

કહેવામાં આવી રહ્યું છે કે, અયાતુલ્લાહ ખામેનેઈની ઉંમર 85 વર્ષ થઈ ચુકી છે અને તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. પરંતુ, મોજતબાને સુપ્રીમ લીડર બનાવવા માટે લાંબા સમયથી તૈયારી કરવામાં આવી રહી હતી. ઈરાનની ગુપ્ત અને બીજી સરકારી એજન્સીઓમાં મોજતબાના લોકો સામેલ છે. ઈરાનમાં ઈબ્રાહિમ રઈસીના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ મોજતબાનું કદ ઘણું વધી ગયું હતું. 

મળતી માહિતી મુજબ, ઈરાનમાં સુપ્રીમ લીડરની પસંદગી એસેમ્બલી ઑફ એક્સપર્ટ કરે છે. ઈરાનમાં સુપ્રીમ લીડર બનવા માટે બે તૃત્યાંશ મત હાંસલ કરવા જરૂરી છે. એસેમ્બલી ઑફ એક્સપર્ટ અનુસાર, 86 મૌલવીઓનો એક સમૂહ છે. દર 8 વર્ષમાં તેની ચૂંટણી થાય છે. પરંતુ, તેમના ચૂંટાયા બાદ ગાર્ડિયન કાઉન્સિલની મોટી ભૂમિકા હોય છે. 

ગાર્ડિયન કાઉન્સિલના મેમ્બરની ચૂંટણીમાં સુપ્રીમ લીડરની મોટી ભૂમિકા હોય છે. છેલ્લા 35 વર્ષથી આ પદ પર રહેલા તેમના કાર્યકાળ દરમિયાન, ખામેનેઈએ ગાર્ડિયન કાઉન્સિલમાં તેમના વિશ્વાસુ લોકોને ભર્યા છે.

શું સત્તાની લડાઈમાં જીતી ગયા મોજતબા ખામેનેઈ?

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ ઈબ્રાહિમ રઈસીની આ વર્ષે મે મહિનામાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થઈ ગઈ હતી. તે અજરબૈઝાન પ્રાંતમાં એક ડેમનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતાં, જ્યાંથી તે તબરેઝ જઈ રહ્યા હતાં. આ દરમિયાન વર્ઝેકાનની પહાડીમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. માનવામાં આવી રહ્યું છે કે, ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ, જે પરિસ્થિતિમાં દુર્ઘટના થઈ, તેના પર પણ સવાલ થઈ રહ્યા છે. અમુક લોકો તેની પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તો અમુક લોકો તેની પાછળ સત્તાની લડાઈ માની રહ્યા છે. કારણ કે, રઈસીની મોત ઈરાનમાં અમુક લોકો માટે ફાયદાનો સોદો માનવામાં આવી રહી છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *