વિશ્વની ગરીબ 50 ટકા વસ્તીની સરખામણીએ આ એક ટકા લોકોની કમાણી 36 ગણી: અઢળક સંપતિ પર 0.5 ટકાનો ટેક્સ પણ ચુકવતા નથી
Mumbai, તા.26
ભારત સહિત વિશ્વસ્તરે અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ત્યારે ગ્લોબલ સંગઠન ‘ઓકસકામ’ના રીપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે છેલ્લા એક દાયકામાં વિશ્વના ટોચ એક ટકા ધનવાનોની સંપત્તિમાં 42 ટ્રીલીયન ડોલરનો વધારો થયો છે જે છેવાડાના 50 ટકા ગરીબો કરતા 36 ગણી થવા જાય છે. વિશ્વના 80 ટકા અબજોપતિઓનો વસવાટ જી-20 શ્રેણીના દેશોમાં છે.
બ્રાઝીલમાં જી-20 રાષ્ટ્રોની બેઠક શરૂ થવા જઇ રહી છે તેવા સમયે જ ગ્લોબલ સંગઠન દ્વારા આ રીપોર્ટ જારી કરવામાં આવ્યો છે. અમીર ગરીબ વચ્ચેના અંતરને ઓછુ કરવા માટે ‘અલ્ટ્રારીચ’ પર વધુ ઉંચા ટેક્સ નાખવાની બાબત બેઠકના એજન્ડામાં છે.
રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે વિશ્વના છેવાડાના 50 ટકા ગરીબો કરતા એક ટકા ધનવાનોની કમાણી 36 ગણી વધુ રહી છે તેમ છતાં તેઓ પોતાની સંપત્તિનો 0.5 ટકાથી પણ ઓછો ટેક્સ ચુકવે છે.
રીપોર્ટમાં એવી નોંધ કરવામાં આવી છે કે ધનવાનોની સંપત્તિમાં ધરખમ વધારો થયો હોવા છતાં તેઓની ટેક્સ ચૂકવણી ન્યુનતમ સ્તરે આવી ગઇ છે અને તેને કારણે અસમાનતામાં મોટો વધારો થઇ રહ્યો છે.
બ્રાઝીલના વડપણમાં આ વખતે જી20 રાષ્ટ્રોની બેઠક થવાની છે. વૈશ્વિક જીડીપીમાં 80 ટકા હિસ્સો જી20 દેશનોનો જ છે અને હવે તેના દ્વારા ‘સુપર રીચ’ પર વધુ ટેક્સ નાખીને આંતરરાષ્ટ્રીય સહકારમાં સામેલ થવાની દરખાસ્ત કરવામાં આવી છે.
ધનવાનો કરવેરા માળખાની છટકબારીનો લાભ લઇને કરચોરી ન કરી શકે તેવી સ્ટ્રેટેજી પણ ઘડાશે. આ દરખાસ્તને ફ્રાંસ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કોલંબીયા તથા આફ્રિકન યુનિયનનું સમર્થનમાં છે. જ્યારે અમેરિકા તેની વિરુધ્ધમાં છે. ઓક્સફામ દ્વારા અલ્ટ્રા-રીચની સંપત્તિ પર 8 ટકાનો ટેક્સ નાખવા સુચવાયું છે.
સંગઠને વિકસીત દેશો દ્વારા ક્લાયમેટ ચેન્જ મામલે ખર્ચના આંકડા વધુ દર્શાવાતા હોવાની પણ ટીકા કરી હતી. 2022માં 116 અબજ ડોલરનો ખર્ચ દર્શાવ્યો હતો. પરંતુ વાસ્તિવક આંકડો 35 અબજ ડોલરનો પણ નહતો.