Hardik Pandya: હાર્દિકને બરોડાનો ઓલરાઉન્ડર કેમ કહેવાય છે? એને અહીંની ટીમમાં તો રમવું નથી

Share:

New Delhi,તા.26

હાર્દિક પંડ્યા આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટી-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન બાદ છૂટાછેડા અને શ્રીલંકા સામેની શ્રેણીમાં કેપ્ટન કે વાઇસ કેપ્ટન નહીં બનાવવાને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે એક સિનિયર કોચ દ્વારા તેની ટીકા કરવામાં આવી છે જેના કારણે ફરી હાર્દિક પંડ્યાનું નામ સમાચારમાં ચમક્યું છે.

બરોડાના પૂર્વ કોચ ડેવ વ્હોટમોર દ્વારા હાર્દિક પંડ્યાના ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમવા પર સવાલ કરવામાં આવ્યા છે. તેમણે પાક પેશન નામની એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ‘હજુ ઘણા ખેલાડીઓ એવા છે જે વ્હાઇટ બોલ ક્રિકેટ નથી રમતા. ઉદાહરણ તરીકે બરોડામાં મેં છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્દિક પંડ્યાને ક્યારેય લિમિટેડ ઓવર ક્રિકેટ રમતા જોયો નથી. મને હંમેશા નવાઈ લાગે છે કે તેને બરોડાનો ઓલરાઉન્ડર કેમ કહેવામાં આવે છે. તે તો ઘણાં વર્ષોથી બરોડા માટે ક્રિકેટ રમ્યો જ નથી. જો કે કેટલાક ક્રિકેટરો એવા પણ છે કે જે આવું નથી કરતા. પરંતુ મેં જોયું છે કે BCCI આ વાતને લઈને ઉત્સુક છે કે ખેલાડીઓ રણજી ટ્રોફી સાથે અન્ય બે ફોર્મેટમાં પણ ભાગ લે. એ વાત ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે કે જેથી ચાર દિવસીય ક્રિકેટની ઉપેક્ષા ના થાય.’

BCCI દ્વારા હાર્દિકની ફિટનેસને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આગામી વિજય હઝારે ટ્રોફીમાં તે બરોડા તરફથી રમશે અને તેના બોલિંગ પ્રદર્શન પર નજર રાખવામાં આવશે.

શ્રીલંકા સામે T20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા બાબતે ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું હતું કે, ‘કેપ્ટન એવો હોવો જોઈએ છે જે બધી મેચ રમે. સૂર્યકુમાર યાદવ પણ લાયક ઉમેદવારોમાંથી એક હોવાથી તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ટી-20ના બેસ્ટ બેટ્સમેનોમાંનો એક છે. હાર્દિક પંડ્યાની ફિટનેસ તેના માટે પડકારરૂપ છે. હાર્દિક ઘણો મહત્ત્વનો ખેલાડી છે, પરંતુ તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. અમને એવો કેપ્ટન જોઈતો હતો જે તમામ મેચ રમવા માટે ઉપલબ્ધ હોય. પસંદગીકારો અને કોચ માટે હાર્દિકને દરેક મેચ રમાડવી મુશ્કેલ છે. સૂર્યકુમાર યાદવ સફળ થવા માટે જરૂરી તમામ ગુણો ધરાવે છે.’

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *