ગુજરાતમાં ચાલુ વર્ષે વાહન ચાલકોને જુદા જુદા નિયમના ભંગ બદલ ૩૦.૯૧ લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચુક્યા છે
Gandhinagar, તા. ૧૧
ગુજરાત ઈ-મેમો ઈસ્યુ કરવાના ક્રમમાં દેશમાં ચોથા નંબરે છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાં વિવિધ રાજ્યોમાં વાહન ચાલકોને સિગ્નલ તોડવાથી માંડી હેલ્મેટ નહીં પહેરવા સહિતના વિવિધ નિયમોના ભંગ બદલ ઈ-મેમો કે ઈ-ચલણ ઈસ્યુ કરવાની સિસ્ટમ છેલ્લા કેટલાક વર્ષોથી અમલી બની છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વાહન ચાલકોને જુદા જુદા નિયમના ભંગ બદલ ૩૦.૯૧ લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચુક્યા છે અને ગુજરાત હાલ ઈ-મેમોની સંખ્યામાં દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ ૧.૧૨ કરોડ ઈ-મેમો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ કરવામા આવતા ઈ-મેમોની સંખ્યામાં પ્રતિવર્ષ વધારો પણ થઈ રહ્યો છે અને ગત વર્ષે ૨૦૨૩માં ૧૨.૧૬ લાખ ઈ-મેમો વાહન ચાલકોને ઈસ્યુ થયા હતા.
વર્ષે ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૩૦.૯૧ લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચુક્યા છે. રોંગ સાઈડ વાહન ચલાવવુ, લાયસન્સ-પીયુસી અને વીમો સહિતના વિવિધ ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવુ અને હેલ્મેટ વિના વાહન ચલાવવાથી માંડી સિગ્નલ તોડવા બદલ તેમજ ઓવર સ્પીડમાં ગાડી ચલાવવા સહિતના અનેક નિયમ ભંગ માટે ઈ-મેમો ઈસ્યુ કરવામા આવે છે. જુદી જુદી રકમના દંડ સાથે ઈ-મેમો વાહનચાલકોને નંબર પ્લેટના આધારે ઇસ્યુ થાય છે. દર વર્ષે ઇસ્યુ થતા ઇ-મેમોની સંખ્યાની દ્રષ્ટિએ હાલ ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ છે.