અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ માટે હાઈબ્લડપ્રેશર વધારે ખતરનાક છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર સાથે સંકળાયેલા મેગેનિઝમ પુરુષ અને મહિલાઓમાં જુદી જુદી રીતે અસર કરે છે. અમેરિકાના વેક ફોરેસ્ટ બેપટીસ્ટ મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે તબીબોને મહિલાઓમાં થતાં હાઈબ્લડપ્રેશરની તકલીફથી પુરુષોની સરખામણીમાં વધારે સક્રિય થઈને અને વધુ સારી રીતે મામલાને હાથ ધરવાની જરૂર છે. મેડીકલ સેન્ટરમાં પ્રોફેસર ઓફ સર્જરી કાર્લોસ ફેરાલીઓના જણાવ્યા મુજબ હજુ સુધી તબીબી સમુદાયને એવું લાગી રહ્યું હતું કે બ્લડપ્રેશરની સમસ્યા પુરુષો અને મહિલાઓમાં એક સમાન હોય છે જેથી આની સાથે જોડાયેલી સારવાર પણ આના આધારે જ કરવામાં આવતી હતી. ફેરાલીઓએ દાવો કર્યો છે કે આ એક પ્રથમ અભ્યાસ છે જેમાં હાઈબ્લડપ્રેશરની સારવાર દરમિયાન આપવામાં આવતી દવાઓને નક્કી કરવા પુરુષ અને મહિલાઓના વર્ગને ધ્યાનમાં લેવામાં આવે છે.
ફેરાલીઓનું કહેવું છે કે છેલ્લા ૨૦-૩૦ વર્ષમાં હાર્ટની સમસ્યાઓ સાથે સંકળાયેલા ધણા મામલાઓ સપાટી ઉપર આવ્યા છે. નવા અભ્યાસ હેઠળ પ્રયોગ માટે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓને આવરી લેવામાં આવ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર વધી જવાની સ્થિતિમાં હાર્ટ સાથે સંબંધિત બિમારી મહિલાઓમાં ૩૦થી ૪૦ ટકા વધારે રહે છે. આ ઉપરાંત મહિલાઓમાં ર્કાડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પુરુષોની સરખામણીમાં બિલકુલ અલગ રીતે કામ કરે છે. વૈજ્ઞાનિકોની આ ટીમે એમ પણ કહ્યું છે કે આ અભ્યાસના તારણોને વધુ નક્કર રીતે રજૂ કરવા માટે હજુ વધુ અભ્યાસ કરવાની જરૂર પડશે. જો કે વૈજ્ઞાનિકો માને છે કે હાઈ બ્લડપ્રેશર મહિલાઓ માટે વધારે ખતરનાક છે.