જામનગર તા.7
જામનગરમાં દીવાળીની ખરીદી અને રજાના દિવસો પુરા થયા બાદ લાભ પાંચમથી 6 હજાર કારખાના ધરાવતા જીઆઈડીસીના ત્રણેય ફેઝ, હાપા માર્કેટીંગ યાર્ડ, ગ્રેઈન માર્કેટ તેમજ વેપારી વિસ્તારોમાં ફરી બજારો ખુલી જતાં વેપાર ચક્ર પુન: ગતિમાન થવા પામ્યું છે.શહેરની બજારોમાં ફરી રૂટિન ખરીદીનો પ્રવાહ જોવા મળ્યો છે.
દીવાળીના દિવસોમાં કપડાની, બુટ-ચપ્પલ, ઘર વપરાશની વસ્તુઓ, ઈલેક્ટ્રોનિકસ ગુડઝ, મોબાઈલ સહિતની વસ્તુઓની ખરીદી માટે શહેરના સેન્ટ્રલ બેન્ક રોડ, બર્ધન ચોક, લીંડી બજાર, દરબારગઢ, ચાંદી વિરામના ગયા બાદ હવે ફરી વેપારીઓએ લાભ પાંચમના શુભ દિવસે વેપારનું મુહુર્ત કરી દીધા બાદ હવે ફરી શહેરના સુપર માર્કેટ, બર્ધન ચોક, રણજીતરોડ સહિતના વેપારી વિસ્તારો તેમજ ગ્રેઈન માર્કેટના વિસ્તારોમાં રૂટીન ઘરાકી દેખાવા લાગી છે. લોકો જીવન જરુરી વસ્તુઓ, ઘર ઉપયોગી વસ્તઓ, ઈલેક્ટ્રીક સામાન સહિતની વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. દીવાળીના દિવસોમાં શહેરની ગ્રેઈન માર્કેટ મહદ અંશે બંધ જેવી સ્થિતિમાં રહી હતી.
વેપારીઓ બેઠક પુરતા દુકાનો ખોલતા અને બાદમાં બંધ કરી દેતા. કારણકે, મોટાભાગનું ટ્રાન્સ્પોર્ટેશન પણ બંધ જેવી સુસ્ત સ્થિતિમાં હતું. પરંતુ હવે ટ્રાન્સ્પોર્ટ સેવા પણ પુર્વવત થઈ જતાં અર્થ ચક્ર પુન: ગતિમાન થઈ રહ્યું હોય તેમ બજારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જામનગરના વેપાર જગતની વાત કરીએ તો જામનગરમાં લાભ પાંચમના દિવસે ગ્રેઈન માર્કેટ, રણજીત રોડ, દરબાર ગઢથી બર્ધન ચોક, માંડવી ટાવર સુધીના વિસ્તારમાં ફરી ઘરાકીનો પ્રવાહ જોવા મળ્યો છે.