Gujarat , તા.25
ગુજરાતમાં અનેક જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. જ્યારે વડોદરામાં 8 ઈંચથી વધુ, તિલકવાડામાં 8 ઈંચ, પાદરામાં 8 ઈંચ, ભરૂચ અને ખેરગામમાં 7-7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25મી અને 26મી જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. 23મી જુલાઈના દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠામાં 2, કચ્છ 2, રાજકોટ 1 અને સુરત 1 એમ કુલ 9 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યાં છે.
રાજ્યના 51 જળાશયો હાઈ એલર્ટ પર
રાજ્યના 206 જળાશયોમાંથી 46 ઓવર ફ્લો થઈ રહ્યા છે. 51 જળાશયો હાઇ એલર્ટ પર છે. રાજ્યમાં 10 નદીઓમાં પુરની સ્થિતિ છે. હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં 18,2444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે. અન્ય 209 જળાશયોમાં સંગ્રહિત કુલ પાણીનો જથ્થો 2,39,849 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.28 ટકા છે. જેમાં કુલ ક્ષમતાના 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 46, 90થી 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 25, 50થી 70 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 41, 25 ટકાથી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે.