New Delhi,તા.૩૧
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાની દાદી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હી સ્થિત શક્તિ સ્થળ પર પહોંચીને રાહુ ગાંધીએ તેમની સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના યોગદાનને યાદ કર્યું હતું.
ઇન્દિરા ગાંધીને તેમના સાહસ અને દૃઢ નિશ્ચય માટે ’આયરન લેડી’ના નામથી ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાનના રૂપમાં તેમને ૧૯૬૬થી લઇને ૧૯૮૪ સુધી દેશનું નેતૃત્ત્વ કર્યું છે. આ દરમિયાન તેમને સાહસિક અને ઐતિહાસિક નિર્ણય લીધા છે જેમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ, હરિત ક્રાંતિ અને ૧૯૭૧નો ભારત-પાકિસ્તાન યુદ્ધ મહત્ત્વના હતા. ઇન્દિરા ગાંધીના પ્રયાસોએ ભારતનું રાજકારણ, અર્થવ્યવસ્થા અને સામાજિક ઢાંચાને નવી દિશા આપી.
રાહુલ ગાંધીએ પોતાની દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું, “ઇન્દિરા ગાંધીનું સાહસ અને નિડરતા આપણા બધા માટે પ્રેરણા છે, તેમને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું અને તેમની સંકલ્પ શક્તિએ ભારતને મજબૂત બનાવી છે. રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીના વારસાને યાદ કરતા કહ્યું કે ઇન્દિરા ગાંધીની નીતિઓ અને તેમના નિર્ણયોએ ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ પાર્ટીના કેટલાક સીનિયર નેતા અને કાર્યકર્તા પણ શક્તિ સ્થળ પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઇન્દિરા ગાંધીના બલિદાન અને યોગદાનને યાદ કરતા તેમના વારસાને આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો.
ભારતના મહિલા વડાપ્રધાન અને દેશના આયરન લેડી ગણાતા ઇન્દિરા ગાંધીની ૩૧ ઓક્ટોબર ૨૦૨૪માં ૪૦મી પુણ્યતિથિ છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ની સવારે તેમના અંગરક્ષકોએ જ હત્યા કરી નાખી હતી. ઇન્દિરા ગાઁધી ૧૯૬૬થી ૧૯૭૭ વચ્ચે અને સતત ત્રણ વખત અને પછી ૧૯૮૦-૧૯૮૪ સુધી દેશના વડાપ્રધાન હતા.