New Delhi , તા.24
IPLની ક્રિકેટ ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) માટે છેલ્લા થોડા સમયથી સમય સારો નથી ચાલી રહ્યો. આ ટુર્નામેન્ટમાં તેઓની શરૂઆત અપેક્ષા કરતાં ઘણી સારી રહી હતી. પોતાની પહેલી જ સિઝનમાં આ ટીમે ટાઇટલ જીતી લીધું હતું. તો બીજી સિઝનમાં ફાઇનલ સુધીની સફર ખેડી હતી. પરંતુ ત્યાર પછી ગયા વર્ષે કેપ્ટન હાર્દિક પંડયાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે ટ્રેડ કરવામાં આવતા ટીમ થોડી નબળી પડી હતી. જેની અસર તેઓની ત્રીજી સિઝનમાં પણ દેખાઈ હતી અને તેઓ પ્લેઑફમાં પણ પહોંચી શક્યા નહોતા અને ટીમ આઠમાં ક્રમે રહી હતી.
ટીમના માલિકો બદલાય તેવી શક્યતા
આ વર્ષે ટીમના ફ્રેન્ચાઇઝ બદલાય અને માલિકી અદાણી અથવા ટોરન્ટ બેમાંથી કોઈ એકને વેચવામાં આવે તેવી શક્યતા અંગે સમાચાર સામે આવ્યા હતા.
CVC કેપિટલ પાર્ટનર્સ અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ સાથે ગુજરાત ટાઈટન્સ ટીમની માલિકીમાં મોટા ભાગની હિસ્સેદારી વેચવા અંગે ચર્ચા કરી રહ્યા છે. એક બિઝનેસ દૈનિકના દાવા પ્રમાણે આ પ્રકારનું વેચાણ થાય પછીથી CVC કેપિટલ પાર્ટનર્સ પોતાનો એક નાનકડો હિસ્સો ટીમમાં રાખે તેવી શક્યતા છે.
તો હવે નવી અટકળો પ્રમાણે ગુજરાત ટાઈટન્સ સાથે હેડ કોચ આશિષ નહેરા અને ડાયરેક્ટર વિક્રમ સોલંકી છેડો ફાડે તેવી શક્યતા છે. હજુ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. અગાઉ ટીમના બેકરુમ સ્ટાફમાંથી મેન્ટર ગેરી કસ્ટર્ન પણ પાકિસ્તાનના કોચ બન્યા બાદ છેડો ફાડી ચૂક્યા છે.
જો હેડ કોચ આશિષ નહેરા અને ડાયરેક્ટર વિક્રમ સોલંકી છેડો ફાડે તો બીજી તરફ યુવરાજ સિંહને સપોર્ટ સ્ટાફમાં લેવા માટે ટીમે તૈયારી શરૂ કરી દીધી હોવાની ચર્ચા છે.
બ્રાન્ડ વેલ્યૂ 124 મિલિયન ડોલર્સ
ગુજરાત ટાઈટન્સની બ્રાન્ડ વેલ્યૂ 124 મિલિયન ડોલર્સ જેટલી છે. જે તમામ IPL ટીમોમાં 8માં ક્રમે છે. આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે બ્રાન્ડ વેલ્યૂ ચેન્નઈ સુપર કિંગ્સની છે જે 231 મિલિયન ડોલર્સ છે. IPL ઓવરઓલ વેલ્યુએશન વધીને હવે 16.4 અબજ ડોલર્સ થઈ ગઈ છે. BCCI દ્વારા ડિઝની સ્ટારને ટેલિવિઝન અને વાયકોમ18ને 2022માં ડિજિટલ રાઇટ્સ વેચ્યા હતા ત્યાર પછી તેમાં ફેરફાર થયો હતો. IPL ક્રિકેટ જગતમાં એક એવી ટુર્નામેન્ટ છે જે હજુ આવનારા વર્ષોમાં ખૂબ નવો કરાવી આપે એ પ્રકારનું રોકાણ માનવામાં આવે છે.