New Delhi, તા.૨૭
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી બે ટેસ્ટ જીતી ન્યુઝીલેન્ડની ટીમે ૨-૦ની સરસાઈ મેળવી લીધી છે. જેને લઈને ભારતીય ટીમની આકરી ટીકા થઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ ભાટીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હવે એક્શન મોડમાં દેખાઈ રહ્યો છે. ગંભીરની નજર હવે મુંબઈમાં રમાનારી સીરિઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ પર છે. જેથી કરીને ક્લીન સ્વીપથી બચી શકાય. જેને લઈને ગંભીરે એક મોટો અને ખૂબ જ કઠોર નિર્ણય લીધો છે.
૧૨ વર્ષ બાદ પોતાની ધરતી પર ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ટીમના મેનેજમેન્ટે ટીમના તમામ ખેલાડીઓને કડક સંદેશ આપ્યો છે. ટીમ મેનેજમેન્ટે તમામ ખેલાડીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે, ત્રીજી ટેસ્ટ પહેલા મુંબઈમાં કોઈ પણ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન યોજવામાં આવશે નહીં. એટલે કે હવે તમામ ખેલાડીઓએ મુખ્ય પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવો પડશે. અગાઉ કેટલાક ખેલાડીઓ મુખ્ય સત્ર છોડીને જતા રહેતા હતા. અને પછી વૈકલ્પિક સત્ર પણ છોડી દેતા હતા.
એક અહેવાલ અનુસાર, હવે મુંબઈમાં ૧ નવેમ્બરથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ પહેલા તમામ ખેલાડીઓને બે દિવસીય પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માટે સૂચના આપવામાં આવી છે. આ સત્રનું આયોજન ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. જેમાં દરેક ખેલાડીને હાજરી આપવી ફરજિયાત છે. કોઈ ખેલાડી તેને ચૂકી શકશે નહીં. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને મેચના એક દિવસ પહેલા નેટ છોડવાની મંજૂરી આપી હતી. જેથી ખેલાડીઓ ટેસ્ટ પહેલા ફ્રેશ થઈ શકે, પરંતુ હવે આ છૂટ મળશે નહીં.’
અહીં તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ મેનેજમેન્ટ ૩૦ અને ૩૧ ઓક્ટોબરે મુંબઈમાં બે દિવસીય પ્રેક્ટિસ સેશનનું આયોજન કરશે. બીજા જ દિવસે ૧ નવેમ્બરથી ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સીરિઝની ત્રીજી ટેસ્ટ રમશે. રોહિત શર્મા સહિત ઘણાં ખેલાડીઓ મુંબઈથી જ આવે છે. અને તેઓ ૩૧ ઓક્ટોબરે દિવાળી પર આરામ કરવાનું વિચારી રહ્યા હશે, પરંતુ તેઓ હવે આવું કરી શકશે નહીં.
ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વર્ષ ૨૦૧૨ બાદથી અહીં એક પણ ટેસ્ટ મેચ હારી નથી.
છેલ્લે ભારતને નવેમ્બર ૨૦૧૨માં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે વાનખેડેમાં અત્યાર સુધીમાં કુલ ૨૬ ટેસ્ટ રમી છે. જેમાંથી તેણે ૧૨માં જીત મેળવી છે. અને ૭માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ૭ ટેસ્ટ ડ્રો રહી છે.