Boating And Water Sports Activities વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા CMએ વ્યક્ત કરી

Share:

Gandhinagar,તા.૨૫

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્‌સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.આ હેતુસર મુખ્યમંત્રીએ ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ (કેટેગરી સી ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન) નિયમો ૨૦૨૪ને મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ ૨૦૨૧ની જોગવાઈઓ અનુસાર કેટેગરી ’સી’ ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન માટેના આ નિયમોનો ડ્રાફ્ટ જૂન-૨૦૨૪માં તૈયાર કરીને તેમાં લોકોના વાંધા સુચનો આમંત્રિત કરવા પ્રસિદ્ધ કર્યો હતો.

આ ડ્રાફ્ટ સંદર્ભમાં આવેલા વાંધા-સુચનોનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને હવે આ નિયમોને આખરી સ્વરૂપ આપવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીશ્રીએ બંદર અને વાહન વ્યવહાર વિભાગને આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરણી તળાવ બોટની ઘટના પછી રાજ્યમાં વોટર સ્પોર્ટ્‌સ તથા બોટિંગ એક્ટિવિટી વધુ સુરક્ષિત અને સલામત બનાવવા પ્રાથમિકતા આપી છે. તદ્‌અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલા આ નવા નિયમો ૧૦ મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી- બોટ માટે લાગુ કરવામાં આવ્યા છે.

આ નિયમો અંતર્ગત ૧૦ મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી- બોટનું રજિસ્ટ્રેશન કરાવવા માગતા વ્યક્તિઓએ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે.

આ નિયમોમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જિલ્લા કે શહેરની વોટરસાઈડ સેફ્ટી કમિટી વોટર સ્પોર્ટ્‌સ એક્ટિવિટી અને બોટના સંચાલનનું સમયાંતરે ઈન્સ્પેક્શન કરશે તેમજ સલામતિ નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલા લઈ શકશે.

શહેરી અને ગ્રામિણ વિસ્તાર તથા અન્ય સત્તાધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓના સંદર્ભમાં પણ નિયમોમાં વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઓપરેટરનો રોલ, લાઈફ જેકેટ, મન્થલી મેઈન્ટેનન્સ, ક્વોલિફાઈડ ક્રુ મેમ્બર્સ, લાઈફ બોટ, ઈમરજન્સી રિસ્પોન્સ બોટ, સલામતિના સાધનો, જનજાગૃતિ અને પર્યાવરણીય સલામતીના ધોરણો પણ વિસ્તૃત બનાવવામાં આવ્યા છે.

ઇનલેન્ડ વેસેલ્સ એક્ટ, ૨૦૨૧ અને અન્ય સંબંધિત નિયમોની સત્તાઓનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે કાયદા હેઠળ સત્તા અથવા ફરજો નિભાવવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરી છે.

મુખ્ય સર્વેયર તરીકે ગુજરાત મેરીટાઇમ બોર્ડના નોટિકલ ઓફિસર, વોટર સ્પોર્ટસ એક્ટિવિટી અને બોટિંગના રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રાર તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ સર્વેના ઇન્ચાર્જ તરીકે મરીન ઓફિસર અને ઇજનેરોની નિમણૂક પણ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *