Rajkotના ગૃહિણી મનીષાબેન અખિયાણીયા સખી મંડળના સથવારે બન્યા આત્મનિર્ભર

Share:

Rajkot,તા,૨૫

સરકાર બહેનોના ઉત્થાન માટે ખૂબ સરસ કાર્ય કરે છે. જેથી, અનેક બહેનો આજે મારી જેમ પગભર બન્યા છે : મનીષાબેન અખિયાણીયા

            આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીને અન્નપૂર્ણા, સરસ્વતી, લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એક મહિલા પોતાના જીવનનાં પ્રત્યેક પડાવ પર નવીન ભૂમિકા નિભાવે છે. મા અન્નપૂર્ણા સ્વરૂપે પરિવારનાં પોષણની જવાબદારી, તો મા સરસ્વતીના રૂપમાં બાળકોને વ્યવહારુ જીવનનું અમૃતરૂપી જ્ઞાન આપવાની ફરજ અદા કરતી નારી, મા લક્ષ્મીના સ્વરૂપે પરિવાર માટે આત્મનિર્ભર બની કમાણી પણ કરતી થઇ છે. ત્યારે આજે આપણે વાત કરવાના છીએ એક એવા મહિલા વિશે જેઓ પરિવારની સંભાળ સાથે પોતે પણ પગભર બની રહ્યાં છે તથા તેમના જેવા અનેક મહિલાઓને પણ સ્વનિર્ભર બનાવવા કટિબદ્ધ છે. 

            રાજકોટમાં રહેતા મનીષાબેન અખિયાણીયા રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વસહાય જૂથ સાથે સંકળાયેલા છે. તેઓ ત્રણ દીકરીઓના માતા હોવાની વ્યવહારિક જવાબદારી નિભાવવાની સાથેસાથે પરિવારને આર્થિક રીતે પણ ટેકારૂપ બની રહ્યાં છે. તેઓ હાલ જામનગરમાં દિવાળી નિમિત્તે આયોજિત સખી મેળામાં સ્ટોલ ક્રમાંક ૧૫ ધરાવે છે, જ્યાં તેઓ માટીના અને ફેન્સી દીવડા, શુભ-લાભ, તોરણ, શો પીસ જેવી ઘર-સુશોભનની કલાત્મક ચીજવસ્તુઓ અને ઈમીટેશનના ઘરેણાંનું પ્રદર્શન સહ વેચાણ કરી રહ્યાં છે. તો એવું ચોક્કસ કહી શકાય કે તેઓ પરિશ્રમ સાથે પરિવારની જવાબદારી નિભાવતી ગૃહિણી છે. 

            મનીષાબેન કહે છે કે, હું બેડી ગામની વતની છું. રવિ રાંદલ મિશન મંગલમમાં પ્રમુખ તરીકે કાર્યરત છું. સાત-આઠ વર્ષથી મંડળ સાથે જોડાયેલી છું. મંડલા આર્ટ, હેન્ડીક્રાફટ, સુશોભનની વસ્તુઓ મંડળના સભ્યોના સહકારથી બનાવું છું. સરકાર તરફથી રૂ. ૩૦ હજારનું રિવોલ્વિંગ ફંડ અને રૂ. દોઢ લાખની લોન મળી છે, સરકાર અનેક રીતે બહેનોના ઉત્થાન માટે મદદરૂપ થઈ રહી છે ત્યારે આજે મારી જેમ અનેક મહિલાઓ પગભર બની છે. મંડળમાં જોડાયા બાદ વ્યવસાય માટે ઘરમાંથી બહાર નીકળવાની પહેલ કરી. રાજકોટમાં પહેલી વખત સરસ મેળામાં ભાગ લીધો હતો, જેમાં સારો એવો આર્થિક લાભ થયો હતો. ત્યારબાદ સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં જવાનું થયું. સખી મેળામાં ભાગ લેવા માટે સરકાર તરફથી રહેવા-જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આવવા-જવાનું ભાડું પણ આપવામાં આવે છે. સરકાર બહેનોના ઉત્થાન માટે ખૂબ સરસ કાર્ય કરે છે. જેથી, અનેક બહેનો આજે મારી જેમ પગભર બન્યા છે. ત્યારે બહેનો માટે એવો આગ્રહ રાખીશ કે તમે આત્મનિર્ભર બનો અને આગળ વધો.

            નોંધનીય છે કે નાના-મધ્યમ ધંધાના વેપારીઓના વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કલાકારોની કલાને ઉજાગર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા ‘પરિશ્રમને અજવાળીએ’ અભિયાન અમલી કરાયું હતું. ત્યારે આ વર્ષે પણ આપણે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીને તેમના પરિશ્રમને અજવાળીએ અને તેમની દીપાવલી દીપાવીએ.

આલેખન : રાધિકા વ્યાસ, માર્ગી મહેતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *