New Delhi,તા.૨૩
સલમાન ખાનને ધમકી આપીને અને હાલમાં સમાચારોમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ફોટો લગાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફેસબુક પર પોસ્ટ કરીને ધમકી આપવામાં આવી છે. બુદ્ધાદિત્ય મોહંતી નામના વ્યક્તિના નામે બનેલા આઈડી થકી આપવામાં આવેલી ધમકી બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓ નારાજ છે. અમેઠીમાં એનએસયુઆઇ કાર્યકર્તાઓએ કેસ નોંધવા માટે મુન્શીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કર્યું હતું.
ફેસબુક પોસ્ટ પર યુઝરે અંગ્રેજીમાં લખ્યું છે કે, જર્મની પાસે ગેસ્ટાપો હતો, ઈઝરાયેલ પાસે મોસાદ છે, યુએસએ પાસે સીઆઈએ છે, હવે ભારત પાસે લોરેન્સ બિશ્નોઈ છે. લીસ્ટમાં આગામી નામ ઓવૈસી અને રાહુલ ગાંધી હોવા જોઈએ. આ પોસ્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરો ગુસ્સે થયા હતા.
અમેઠીમાં એનએસયુઆઇ કાર્યકર્તાઓ જિલ્લા અધ્યક્ષ સુમિત તિવારીના નેતૃત્વમાં મુન્શીગંજ પોલીસ સ્ટેશન પહોંચી વિરોધ દર્શાવી એસએચઓ શિવકાંત ત્રિપાઠીને ફરિયાદ સોંપવામાં આવી હતી. તમામે ફેસબુક યુઝર સામે કેસ દાખલ કરવાની માંગ કરી હતી. ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈની પ્રશંસા કરીને હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી ધમકીઓ રાહુલ ગાંધીની સુરક્ષા માટે ખતરો પેદા કરે છે. ભૂતકાળની ઘટનાઓ દર્શાવે છે કે ઓનલાઈન ધમકીઓ હિંસામાં પરિણમી છે અને રાજકીય વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવી રહી છે.એસએચઓ શિવકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ વારાણસીમાં કોંગ્રેસીઓએ પણ આનો વિરોધ કર્યો હતો. સિગરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.