આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની ઈચ્છા મુજબ ઊંઘ લેતા હોય છે. રાત્રે 2-3 કલાકની ઊંઘ અને સવારે 9 કલાક કામ પર જવાને હવે સુપર પાવર તરીકે જોવામાં આવી રહ્યું છે. અને આવા લોકોની હિંમતની ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે. પરંતુ આવું કરવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે તે ખરેખર કોઈ જાણતું નથી.
ઉંમર સાથે શરીરની જરૂરિયાતો પણ બદલાતી રહે છે. ઊંઘ બાબતે આ નિયમ પણ લાગુ પડે છે. તેનું કારણ શારીરિક અને માનસિક ફેરફારો છે. એટલે પૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ, કે તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલી ઊંઘની જરૂર છે અને તેના માટે તમે શું કરી શકો.
ઓછી ઊંઘના કારણે નુકસાન
જો તમને સતત કેટલાય દિવસો સુધી પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. આ સાથે વિચારવાની ક્ષમતામાં ઘટાડો, મૂડ સ્વિંગ, સ્થૂળતા, હૃદય રોગ, હોર્મોનલ અસંતુલનનું જોખમ વધી શકે છે.
18-25 વર્ષની વયના લોકો માટે ઊંઘના પર્યાપ્ત કલાકો
યુવાવસ્થામાં એટલે કે 18 થી 25 વર્ષની વચ્ચે, મગજના કાર્ય અને ભાવનાત્મક સુખાકારી માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્લીપ થેરાપિસ્ટ ડેનિસ લોર્ડચેએ જણાવ્યું હતું કે આ ઉંમરે, જ્ઞાનાત્મક કાર્ય, લાગણીઓનું નિયમન અને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો વિકાસ ઊંઘ પર આધાર રાખે છે. આ સમયગાળા દરમિયાન દરેકે 7 થી 9 કલાકની ઊંઘ કરવી જરૂરી છે.
26-44 વર્ષની વયના લોકોને કેટલી ઊંઘની જરૂર છે?
આ ઉંમરે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ ઉંમરે મેલાટોનિનનું ઉત્પાદન થોડું ઓછું થવા લાગે છે, પરંતુ ઊંઘની પેટર્ન સામાન્ય રહે છે. જો કે, કામ અને કુટુંબની જવાબદારીઓ ઊંઘની પેટર્નને અસર કરી શકે છે. એટલે આ ઉંમરે 7-8 કલાકની ઊંઘ કરવી જરુરી છે.
45-59 વર્ષની વયના લોકો માટે સ્વસ્થ ઊંઘના કલાકો
આ ઉંમરે પહોંચ્યા પછી શરીરની સ્વસ્થ થવાની ક્ષમતામાં ઘટાડો થવા લાગે છે. જેના કારણે 45 થી 59 વર્ષની વચ્ચેના લોકોને વધુ ઊંઘ લેવા ખાસ જરૂર રહે છે. આ ઉંમરે લોકો વધુ ઊંઘે છે, પરંતુ 8-9 કલાકની ઊંઘ પૂરતી છે.
60 અને તેથી વધુ ઉંમરના લોકોએ કેટલી ઊંઘ લેવી જોઈએ
60 વર્ષથી ઉપરના લોકો માટે ઊંઘ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમના જ્ઞાનાત્મક કાર્ય અને રોગપ્રતિકારક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આ ઉંમરના લોકોને ઘણીવાર ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. લોર્ડચેના કહેવા પ્રમાણે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે, જેમ કે ઊંઘમાં ખલેલ અથવા અનિદ્રા.
ઊંઘની ગુણવત્તામાં સુધારો કેવી રીતે કરવો
ઊંઘની ગુણવત્તા સુધારવા માટે નિયમિતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ એક જ સમયે સૂવું અને જાગવું એ શરીરની આંતરિક ઘડિયાળને વ્યવસ્થિત રાખે છે. આ સિવાય નિષ્ણાતો કુદરતી સૂર્યપ્રકાશમાં સમય પસાર કરવાની પણ ભલામણ કરે છે. તેમજ સારી ઊંઘ માટે રાત્રે હલકો ખોરાક લેવો પણ જરૂરી છે.