ત્રણ દિવસથી લાપતા યુવાનનું શરાબની મહેફિલમાં ચડભળ થતાં પથ્થરથી માથું છુંદી નખાયું’તું
RAJKOT તા.23
રાજકોટ શહેરમાં વધુ એક લોથ ઢળી છે. શહેરના આજી નદીના કાંઠા વિસ્તારમાંથી એક માથું છુંદી નખાયેલી લાશ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને થોરાળા પોલીસ મથકની ટીમો દોડી ગઈ હતી. ત્યારે મૃતકની ઓળખ ત્રણ દિવસ પૂર્વે લાપતા થયેલ થોરાળાના નિખિલ સોલંકી તરીકે થઇ હતી. જે બાદ પોલીસે તપાસ કરતા આ યુવકની હત્યા તેના જ બે મિત્રો મનોજ મકવાણા અને કરણ રાઠોડ઼ે કર્યાનું સામે આવતા બંને શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન એક આરોપીને અમદાવાદ રોડ પરથી સકંજામાં લઇ લેવામાં આવ્યો છે જયારે અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના આજી નદીના કાંઠે, નવા થોરાળાની પાછળથી એક અજાણ્યા યુવાનની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવતા થોરાળા પોલીસના પીઆઈ એન જી વાઘેલા સહીતની ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-1ની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દરમિયાન મૃતક યુવાનની ઓળખ નવા થોરાળાના રહેવાસી નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો પરસોતમભાઈ સોલંકી (ઉ.વ. 21) તરીકે થઇ હતી. નિખિલ છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી લાપતા થયો હતો. જે બાદ એકાએક તેની લાશ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરતા મૃતકના મિત્રો મનોજ પ્રવીણભાઈ મકવાણા અને કરણ હેમંતભાઈ રાઠોડ઼ે જ કોઈ કારણોસર ઝઘડો કરી બોથડ પદાર્થ વડે ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી દઈ નાસી ગયાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે બંને હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન એક હત્યારો ઘટનાને અંજામ આપ્યા બાદ અમદાવાદ રોડ તરફ નાસી ગયાના ઇનપુટ આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન આરોપીની ભાળ મળી જતાં પોલીસની ટીમોએ હત્યારાને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે જયારે બીજા આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આડા સંબંધમાં હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક અનુમાન
મૃતક નિખિલની પત્ની સાથે આરોપી કરણને આડા સંબંધ હતો. જે બાદ નિખિલના છૂટાછેડા પણ થઇ ગયા હતા. દરમિયાન ત્રણેય મિત્રો શરાબની મહેફિલ માણવા બેઠા હોય અને આડા સંબંધ બાબતે ચડભળ થતાં બંને શખ્સોએ પથ્થરથી માથું છુંદી નાખ્યાનું પ્રાથમિક તારણ છે. જો કે, હજુ આ વાત ફક્ત પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે, આ બાબતે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી જેથી પોલીસની તપાસ પૂર્ણ થયે જ આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે તે સામે આવશે.