Surat,તા.17
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી દિવાળીમાં પોતાના વતન જતાં લોકો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને એસ. ટી નિમગ દ્વારા વતન જવાની તારીખ 26થી 30 ઑક્ટોબર દરમિયાન સુરતથી 2200 વધુ બસ દોડાવવામાં આવશે.
સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી એસ. ટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહનની સુવિધા વધારવામાં આવી છે. દિવાળીના દિવસોમાં સુરતમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતાં હોય છે. જેને ધ્યાનમાં લઈને તારીખ 26થી 30 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200થી વધુ બસો દોડાવવામાં આવશે. આ સાથે માગ મુજબ વધુ બસો ફાળવવા પણ તંત્ર તૈયાર છે.
મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે ઉધન બસ સ્ટેશનથી વધારાની બસ નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહદા માટે મૂકાશે. અત્યારથી જ એકસ્ટ્રા બસોનું ગ્રૂપ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલી સુરત સિટી ડેપોથી કરી શકાશે. આ સિવાય એડવાન્સ બુકિંગ માટે www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટ બુક કરી શકાશે. આ સિવાય ટ્રાફિકને ધ્યાનમાં રાખી ધ્યાને લઈ તા. 31 ઑક્ટોબરથી 6 નવેમ્બર સુધી વડોદરા, અમદાવાદની વધારાની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટોપથી ઉપડશે.