New Delhi,તા.17
સુપ્રિમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ માટે સંજીત ખન્નાનાં નામની ભલામણ કરવામાં આવી છે.વર્તમાન મુખ્ય ન્યાયમુર્તિ ડી.વાય.ચંદ્રચુડ આગામી 10 મી નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે અને પોતાનાં અનુગામી તરીકે સીનીયર જસ્ટીસ સંજીવ ખન્નાનાં નામની ભલામણ કરી છે.
ચીફ જસ્ટીસ ચંદ્રચુડ દ્વારા સૌથી સીનીયર ન્યાયમુર્તિ સંજીવ ખન્નાને નવા ચીફ જસ્ટીસ બનાવવાની ભલામણ કરતો પત્ર સરકારને પાઠવવામાં આવ્યો છે.પ્રવર્તમાન પ્રક્રિયા અંતર્ગત સરકારે જ ચીફ જસ્ટીસને તેમના અનુગામીનું નામ સુચવવા કહેવામાં આવ્યું હતું.
નવા ચીફ જસ્ટીસ તરીકે સંજીવ ખન્નાની પસંદગી થવાના સંજોગોમાં તેઓ 6 મહિના કાર્યભાર સંભાળશે 11 નવેમ્બરે પદગ્રહણ કરી શકે છે અને આવતા વર્ષની 13 મે સુધી પદ પર રહી શકે છે. તેઓ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે રહી ચુકયા છે.
જસ્ટીસ સંજીવ ખન્નાનાં પિતા દેવરાજ ખન્ના પણ 1985 માં દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયમુર્તિ તરીકે નિવૃત થયા હતા. સંજીવ ખન્નાએ દિલ્હીની કોર્ટમાંથી પ્રેકટીસ શરૂ કરી હતી. 1983 માં દિલ્હી બાર કાઉન્સીલમાં સભ્ય બન્યા હતા.
24 જુન 2005 ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં એડીશ્નલ જજ બન્યા હતા. 2006 માં કાયમી જજ બન્યા હતા. 2019 માં સુપ્રિમ કોર્ટમાં નિયુકત થયા હતા. તેમના પિતા ઉપરાંત કાકા પણ સુપ્રિમ કોર્ટમાં જજ રહી ચુકયા છે.
સુપ્રિમ કોર્ટમાં સાડાચાર વર્ષનાં અત્યાર સુધીનાં કાર્યકાળ દરમ્યાન તેઓ 358 બેંચમાં હિસ્સો બની ચુકયા છે. અને 90 થી વધુ ચુકાદા આપ્યા છે.