New Delhi,તા.૧૫
નબળા ફોર્મમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના મુખ્ય બેટ્સમેન બાબર આઝમને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે પાકિસ્તાનની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. બાબર આઝમનું ફોર્મ ખરાબ ચાલી રહ્યું હતું તેથી તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. જો કે, તેના સાથી ખેલાડી ફખર ઝમાનને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય પસંદ ના આવ્યો અને તેણે સોશિયલ મીડિયા પર બાબર આઝમના કાઢી મુકવાના નિર્ણયને ખોટો ગણાવ્યો.
ફકર ઝમાને આ માટે ભારતના વિરાટ કોહલીનું ઉદાહરણ ટાક્યું હતું. જો કે ફકર ઝમાન આ પગલાને કારણે મુશ્કેલીમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફખર ઝમાનને કારણ બતાવો નોટિસ આપી છે. ફખર ઝમાને ૭ દિવસમાં કારણદર્શક નોટિસનો જવાબ આપવો પડશે.
ફખર ઝમાને, બાબર આઝમની પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી હકાલપટ્ટી થયા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બાબર આઝમને ટીમમાંથી બહાર કરવાનો અભિપ્રાય ઘણો ચિંતાજનક છે. ભારતે ક્યારેય વિરાટ કોહલીને ખરાબ સમયમાં છોડ્યો નથી. ૨૦૨૦ અને ૨૦૨૩ ની વચ્ચે વિરાટ કોહલીની એવરેજ ૧૯.૩૩, ૨૮.૨૧ અને ૨૬.૫૦ હતી. જો આપણે આપણા શ્રેષ્ઠ બેટ્સમેનને બહાર કરવાનું વિચારી રહ્યા છીએ તો તેનાથી ટીમને ખોટો સંદેશ જશે. આપણે આપણા મોટા અને મહત્વના ખેલાડીઓને બચાવવા જોઈએ.
બાબર આઝમની હકાલપટ્ટી બાદ પીસીબીના અધિકારીઓ ફખર ઝમાનના આ નિવેદનથી ખૂબ નારાજ છે. પીસીબીના અધિકારીઓએ ફખર સાથે પણ વાત કરી હતી. હવે ફખર ઝમાન પાસેથી તેણે સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટને લઈને જવાબ માંગવામાં આવ્યો છે. શક્ય છે કે ફખર ઝમાને પોતાના કૃત્ય માટે માફી માંગવી પડી શકે કારણ કે જો તે આમ નહીં કરે તો આ ખેલાડી પણ ટીમની બહાર થઈ શકે છે.
જો કે આશ્ચર્યજનક વાત એ છે કે બાબર આઝમને ટીમમાંથી બહાર કર્યા બાદ ટીમના કોચ અઝહર મહમૂદે એક ખુલાસો કર્યો છે. અઝહર મહમૂદે કહ્યું કે બાબર આઝમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી પરંતુ તેને આરામ આપવામાં આવ્યો છે. બાબર આઝમ છેલ્લી ૧૮ ટેસ્ટ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે અને તેના ખરાબ ફોર્મ વિશે બધા જાણે છે, તેમ છતાં તેને આરામ આપવાનું પાકિસ્તાની કોચનું નિવેદન હાસ્યાસ્પદ છે.