Maharashtra,તા.15
રાજકીય પક્ષો દ્વારા આગામી મહિને યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપે કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી સાથે પ્રથમ બેઠકમાં જ 100થી વધુ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરી લીધા છે. જ્યારે બીજી બાજુ ઓછામાં ઓછી 110 બેઠકો પર ચૂંટણી લડવા માગતી કોંગ્રેસની બેઠક ફાળવણી મુદ્દે મહા વિકાસ અઘાડી સાથે વિવાદ થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. કારણકે, MVA મહત્ત્વની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માગે છે.
કોંગ્રેસના ગઠબંધનમાં બેઠક મુદ્દે વિવાદ
કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષ નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્ર કોંગ્રેસ એકમના પ્રમુખ નાના પટોલે, વિજય વડેટ્ટીવાર, વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાટ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મહાવિકાસ અઘાડી પોતાના કાર્યકરોને બેઠક ફાળવવાનો મુદ્દો રજૂ કર્યો હતો. કોંગ્રેસના ગઠબંધનમાં શિવસેના (યુબીટી) કોંગ્રેસના અમુક ગઢ પર પણ પોતાના ઉમેદવારો ઉતારવા પ્રયાસ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ આ બેઠકો પોતાની પાસે રાખવા માગે છે.
ભાજપ 170 બેઠકો પર ચૂંટણી લડશે!
ભાજપ અને તેના સમર્થક પક્ષોની ગઈકાલે યોજાયેલી મિટિંગમાં પક્ષે તમામ 288 બેઠકોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં સમર્થક પક્ષોને આપવામાં આવનારી બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપે 164 બેઠકો પર ચૂંટણી લડી 105 બેઠકોમાં જીત હાંસલ કરી હતી. આ વખતે 170 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. સત્તાવિરોધી માહોલ બદલવા માટે તે રણનીતિ ઘડી રહ્યું છે. ભાજપ નેતાએ દાવો કર્યો છે કે, કોઈપણ સમર્થક પક્ષ હવે ફાફાં મારશે નહીં, અમે સૌ સાથે મળીને મેદાનમાં ઉતરીશું. અને પક્ષે સંકેત પણ આપ્યા છે કે, જે સાંસદોને લોકસભામાં ટિકિટ મળી નથી, તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ ટિકિટ મળશે નહીં. તે નવા અને મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.