Haryana,તા.14
ઘણાં લાંબા સમયથી વિપક્ષ EVMમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે ફરી એકવાર ચૂંટણી પંચ અને EVMની વિશ્વસનીયતાને લઈને સવાલ ઉઠાવ્યા છે. આ અંગે હવે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજની સ્થિતિ જોઇને લાગે છે કે EVM પરથી ભરોસો ઉઠવા માંડ્યો છે.
નિષ્પક્ષ ચૂંટણીઓ માટે EVMને હટાવવું એ એકમાત્ર વિકલ્પ
સત્યપાલ મલિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, ‘તાજેતરમાં હરિયાણામાં યોજાયેલી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પેપરમાં કોંગ્રેસ 76-16થી આગળ ચાલી રહી હતી, પરંતુ જેવા જ EVMની મત ગણતરી ચાલુ થઇ તેમાં ધીરે ધીરે કોંગ્રેસ સત્તામાંથી બહાર થઇ ગઈ અને ભાજપ સત્તા પર આવી ગઈ હતી. પ્રારંભિક વલણો અને એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ પરિણામ તેનાથી વિપરીત આવ્યું. વર્તમાન પરિસ્થિતિમાં ચૂંટણી પંચ અને ઈવીએમ પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો હોય તેવું થઇ ગયું છે. EVMનો ખેલ છેલ્લે ક્યાં સુધી ચાલશે? આજે તો AIનો યુગ છે. જો નિષ્પક્ષ ચૂંટણીઓ જોઈતી હોય તો EVMને હટાવવું એજ એકમાત્ર વિકલ્પ છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓ વધુ મહેનત નથી કરતા
એક ઈન્ટરવ્યૂ આપતા કોંગ્રેસ પર મલિકે જણાવ્યું હતું કે, ‘હરિયાણાની ચૂંટણીનું પરિણામ જે આશા હતી તેનાથી વિપરીત આવ્યું છે. કોંગ્રેસમાં એકતા નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ વધુ મહેનત નથી કરતા. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ 24 કલાક રાજકારણ કરતા હોય છે. તેમની સામે કોંગ્રેસની મહેનત કઈ જ નથી. જો કે હરિયાણાના થયેલી હાર માટે રાહુલ ગાંધી જવાબદાર નથી.’