નડાલ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારા ડેવિસ કપની ફાઇનલમાં ઉતરશે : પોતાના દેશ સ્પેનનું પ્રતિનિધિત્વ કરશે
નવી દિલ્હી, તા.૧૦
૪ વર્ષ પહેલા જ સ્વિઝરલેન્ડના મહાન ટેનિસ પ્લેયર રોજર ફેડરરે સંન્યાસની જાહેરાત કરી હતી. હવે નડાલે પણ રમતને અલવિદા કહી દીધું છે. ફેડરરે ૨૦ ગ્રેંડ સ્લેમ એવોર્ડ પોતાના નામે કર્યો છે. નડાલ આ લિસ્ટમાં બીજા નંબર પર છે. સૌથી વધુ ગ્રેંડ સ્લેમ જીતવાના મામલામાં સર્બિયાના નોવાક જોકોવિચ છે, જેણે અત્યાર સુધી સૌથી વધુ ૨૪ ગ્રેંડ સ્લેમ એવોર્ડ જીત્યા છે. ૩૮ વર્ષના નડાલે એક વીડિયો મેસેજ શેર કર્યો છે.
નડાલે કહ્યું છે કે તે આ વર્ષે નવેમ્બરમાં યોજાનારા ડેવિસ કપની ફાઇનલમાં ઉતરશે. આ ટુર્નામેન્ટમાં તે પોતાના દેશ સ્પેનનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે ડેવિસ કપની ફાઈનલ સ્પેનના મૈલાગામાં યોજાશે.
નડાલે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. એમાં તેણે તેના તાજેતરના સંઘર્ષ અને ખેલના કારણે પોતાના શરીર પર પડનાર શારીરિક પ્રભાવ વિશે જણાવ્યું હતું. નડાલે કહ્યું, ’હું ખૂબ જ ઉત્સાહિત છું કે મારી છેલ્લી ટૂર્નામેન્ટ ડેવિસ કપની ફાઈનલ હશે, જેમાં હું દેશનું પ્રતિનિધિત્વ કરીશ. હું માનું છું કે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે મારી પ્રથમ જીતના આનંદ પછી હું હવે ફૂલ સર્કલના છેલ્લા તબક્કામાં આવી ગયો છું. ડેવિસ કપની ફાઈનલ ૨૦૦૪માં થઈ હતી. હું મારી જાતને સુપર સુપર લકી માનું છું કે મેં આટલું બધું અનુભવ્યું છે.