Gandhinagar ,તા.23
ગુજરાત મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવા બણાં ફુંકવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું છે. કેન્દ્ર સરકારના રુરલ હેલ્થ સ્ટેટેસ્ટીક્સ 2022ના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 334 કમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં પિડીયાટ્રીશિયન, ગાયનેક સહિત સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો જ નથી.ગુજરાતમાં માત્રને માત્ર 14 કમ્યુનિટી હેલ્થ સેન્ટર જ એવાં છે જ્યાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે.
રાજ્યમાં ચાંદીપુરા વકર્યો છે ત્યારે બધુ રામભરોસે
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ વકર્યો છે ત્યારે પિડીયાટ્રિશિયન જ નથી તો બાળકોની સારવારને લઈને સવાલો ઉઠ્યા છે. આ જોતાં ગુજરાતમાં આરોગ્ય તંત્ર સદંતર ખાડે ગયુ હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. તેમાં ય ગામડાઓમાં તો આરોગ્ય તંત્ર રામભરોસે જ છે.
એક તરફ ગુજરાતમાં ચાદીપુરા વાઈરસ વકરી રહ્યો છે. બાળકોનો મૃત્યુઆંક વધી રહ્યો છે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે. આ પરિસ્થિતી વચ્ચે રાજ્યમાં ડોક્ટરોની સંખ્યાનું ચિત્ર બિહામણું છે. 344 કમ્યુનિટી હેલ્થ સેન્ટર છે. જેમાં માત્ર 76 પિડીયાટ્રિશિયનની જગ્યા મંજૂર કરવામાં આવી છે. તેમાં ય 46 જગ્યા ખાલી પડી છે. આ જોતા ગ્રામ્ય વિસ્તારમાં 314 બાળકોના નિષ્ણાત ડોક્ટરોની જરૂરિયાત છે. હવે જો બાળકોના નિષ્ણાત ડોક્ટરો જ ન હોય તો પછી ચાંદીપુરા જેવા રોગચાળાને કેવી રીતે કાબૂમાં કરવો એ પ્રશ્ન સર્જાયો છે.
કેન્દ્રના રુરલ હેલ્થ સ્ટેટેસ્ટીક્સ 2022ના રિપોર્ટ અનુસાર, દરેક કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જનરલ સર્જન, ગાયનેક, પિડીયાટ્રિશિયન હોવા ફરજિયાત છે. આજે ગ્રામિણ વિસ્તારમાં 295 ગાયનેક ડોક્ટર, 330 ફિઝિશિયન, 310 આઈ સર્જનની જરૂરિયાત છે. મહત્ત્વની વાત તો એછે કે, એકેય કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આયુષ સ્પેશ્યાલિસ્ટને ફરજ પર મૂકાયા નથી.
કેન્દ્ર સરકારના રિપોર્ટે જ ગુજરાત આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પાડી છે જેમકે, 566 સબ આરોગ્ય કેન્દ્રોમાં પાણી આવતુ જ નથી. 262 સબ આરોગ્ય કેન્દ્રોમાં વીજળી જ નથી. આ પરિસ્થિતી વચ્ચે દર્દીઓની કેવી સારવાર થતી હશે. દર્દીઓની શું દશા થતી હશે તેવી કલ્પના કરવી રહી. આ તરફ શહેરી વિસ્તારોમાં ડોક્ટરોથી માંડીને માળખાકીય સુવિધા સારી છે તે જોતાં એ વાત ચોક્કસ છે કે, સરકારે ગામડાઓને રેઢા મૂક્યા છે.
જો ઈન્ફસ્ટ્રકચરની વાત કરીએ તો, ગુજરાતમાં ગ્રામિણ વિસ્તારમાં હજુ 2828 સબ આરોગ્ય કેન્દ્રો, 171 પીએસચી અને 27 કમ્યુનિટી હેલ્થ સેન્ટર બાંધવાના બાકી છે. આ પરથી કહી શકાય છે કે, આરોગ્ય વિભાગ ભલે ડીંગો મારે પણ હજુ ઘણું બધુ કરવાનુ બાકી છે.