પૈસા માટે રિક્ષા ચલાવનાર ખેલાડી હવે બનશે Star Of India? ઋતુરાજને આઉટ કરી છવાયો

Share:

Mumbai,તા.08

તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમને ઘણાં સ્ટાર ફાસ્ટ બોલર મળ્યા છે. જેમાં જસપ્રિત બુમરાહથી, મયંક યાદવથી લઈને અનેક ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે ચાલી રહેલા ઈરાની કપમાં મુંબઈની ટીમે બધી ટીમોને હરાવીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. પરંતુ આ ટુર્નામેન્ટ દરમિયાન અજિંક્ય રહાણેની કેપ્ટનશીપવાળી આ ટીમમાં એક ઝડપી બોલરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તે બોલરનું નામ જુનૈદ ખાન છે.

ઉત્તર પ્રદેશના કન્નૌજના રહેવાસી જુનૈદ ખાન તેના પોતાના પરિવારના ભરણ-પોષણ માટે મુંબઈમાં રહેવા આવી ગયો હતો. નોકરી શોધવાના પ્રયત્નોમાં તેણે પહેલા કપડાના કારખાનામાં કામ કરવાનું કામ મળ્યું હતું. આ સિવાય તે સગીર હોવા છતાં પણ ઓટો રિક્ષા ચલાવતો હતો. પરંતુ નસીબે વળાંક લીધો અને તે ક્રિકેટની દુનિયામાં પાછો આવી ગયો. અને તેની આ સફર તેને ઈરાની કપ સુધી આવી પહોંચી છે. આ મેચ તેની કારકિર્દીની સૌથી મોટી મેચ હતી. તેણે રેસ્ટ ઓફ ઈન્ડિયાના કેપ્ટન રુતુરાજ ગાયકવાડની વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી.

એક ઈન્ટરવ્યુમાં જુનૈદે કહ્યું કે, ‘જ્યારે મને મેચ પહેલા કહેવામાં આવ્યું હતું કે, મુંબઈ માટે હું મારી પહેલી મેચ રમીશ, અને તે પણ ઈરાની કપમાં, ત્યારથી હું બિલકુલ પણ ઊંઘી શક્યો નથી. વિકેટ એક બોનસ હતી. અહીં પહોંચવું એ મારા માટે એક સપનું છે.’ જુનૈદને માત્ર એક જ ઇનિંગમાં બોલિંગ કરવાની તક મળી હતી. મુંબઈની ટીમ બીજી ઇનિંગમાં બોલિંગ કરી શકી નહોતી.

મુંબઈમાં જુનૈદ જ્યારે ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે તે એકવાર સંજીવની ક્રિકેટ એકેડમીમાં ગયો હતો. તેને મુંબઈના ભૂતપૂર્વ વિકેટકીપર અને બેટર મનીષ બાંગરા ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં જુનૈદ મોટાભાગની મેચ ટેનિસ બોલથી રમ્યો હતો. તેને એકેડમીમાં દોડવા માટે કહેવામાં આવ્યું અને તે પછી તેણે બોલિંગ ચાલુ કરી હતી. બાંગરાએ તેને બોલિંગ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત પણ કર્યો હતો. પરંતુ તેની સામે અનેક પડકારો હતા.

વધુમાં જુનૈદે કહ્યું, ‘મારી પાસે ક્રિકેટ રમવા માટેના જૂતા ખરીદવા માટેના પૈસા હતા નહી, પરંતુ ઘણાં લોકોએ મારી મદદ કરી અને મને રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જુનૈદના જીવનમાં વધુ એક નાટકીય વળાંક આવ્યો. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન સહાયક કોચ અભિષેક નાયરે જુનૈદને પોલીસ શિલ્ડમાં પીજે હિન્દુ જીમખાના તરફથી રમતા જોયો હતો. તેનું પ્રદર્શન જોઇને અભિષેક ખૂબ જ પ્રભાવિત થયો હતો. બુચી બાબુ અને KSCA ટૂર્નામેન્ટ દરમિયાન જુનૈદે ફરીથી પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા. આ કારણે પસંદગીકારોએ તેને ઈરાની કપ માટે મુંબઈની ટીમમાં સામેલ કર્યો હતો.

જુનૈદ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીને પોતાનો આદર્શ માને છે. શમી પણ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. અને પશ્ચિમ બંગાળ તરફથી રમે છે. એ જ રીતે જુનૈદ ઉત્તર પ્રદેશનો છે. અને મુંબઈ તરફથી રમે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *