Haryana Result : અતિ-આત્મવિશ્વાસ નડ્યો કે પછી જૂથવાદ? કોંગ્રેસની આશા પર કેમ ફરી ગયું પાણી

Share:

Haryana,તા.08

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને બહુમતી મળી છે. તાજેતરના આંકડાઓમાં, ભાજપ 51 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠક સાથે પાછળ છે. હાલની સ્થિતિના આધારે કોંગ્રેસના નબળા દેખાવના કારણોની ચર્ચા શરુ થઈ ગઈ છે. જેમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ રાજ્યમાં પાર્ટીના ચહેરા પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલજા વચ્ચેના મતભેદોને માનવામાં આવે છે.

ભૂપેન્દ્ર હુડ્ડા અને કુમારી શૈલજા મુખ્યમંત્રીની રેસમાં હતા 

હરિયાણામાં કુમારી શૈલજા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા બન્નેને સીએમ પદના દાવેદાર માનવામાં આવે છે. જેના કારણે બન્ને નેતાઓ વચ્ચે અણબનાવના સમાચારો આવતા રહે છે.  ભૂપેન્દ્ર હુડ્ડા હરિયાણાના અગ્રણી જાટ નેતા છે. તેમજ તેઓ છેલ્લા ઘણા સમયથી હરિયાણામાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો મુખ્ય ચહેરો ભૂપેન્દ્ર હુડ્ડા હતા અને તે સમયે પણ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. આથી આ વખતે તેમને અગ્રણી સ્થાન આપવામાં તો આવ્યું પરંતુ પાર્ટી પાસે અન્ય નેતાઓ પણ સીએમ પદની રેસમાં સામેલ છે જ, જેમાં સૌથી આગળ કુમારી શૈલજાનું નામ છે. કુમારી શૈલજા હરિયાણામાં દલિત રાજકારણનો એક અગ્રણી ચહેરો છે. આ ઉપરાંત તેઓ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે અને કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન બન્ને વચ્ચેના અણબનાવની ચર્ચાઓ 

ચૂંટણી પ્રચાર દરમિયાન કુમારી શૈલજાએ સંકેત આપ્યો હતો કે મારું નામ એ નેતાઓમાં સામેલ છે જેના પર પાર્ટી સીએમ પદ માટે વિચાર કરી શકે છે. તેમજ મતગણતરી પહેલાં કુમારી શૈલજા પાર્ટી હાઇકમાન્ડને પણ મળ્યા હતા.

સીએમ પદ પર કુમારી શૈલજાના દાવા અંગે ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું હતું કે, ‘લોકશાહીમાં દરેકને સીએમ પદનો અધિકાર છે, પરંતુ સીએમને પસંદ કરવાની પ્રક્રિયા હોય છે, જેમાં ધારાસભ્યો પોતાનો અભિપ્રાય આપે છે અને ત્યારબાદ જ પાર્ટી હાઇકમાન્ડ નિર્ણય છે છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *