Mumbai,તા.08
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પરિણામો પહેલાં એક્ઝિટ પોલને ધ્યાનમાં લેતાં માર્કેટ ઘટાડે ખૂલ્યુ હતું. પરંતુ મતોની ગણતરીની શરૂઆત સાથે જ ભાજપ તરફી વલણ જોવા મળતાં શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 450 પોઈન્ટ જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ સુધી ઉછળ્યો છે.
10.45 વાગ્યે સેન્સેક્સ 400.32 પોઈન્ટ ઉછળી 81450 પર અને નિફ્ટી 128.75 પોઈન્ટ ઉછળી 24924.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આઈટી, ટેક્નો અને મેટલ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ સુધી વધી છે.
2445 શેર્સ ગ્રીન ઝોનમાં
બીએસઈ ખાતે ટ્રેડેડ 3765 શેર્સ પૈકી 2445 શેર્સમાં સુધારો અને 1183 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 102 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 94 શેર્સે વર્ષનું તળિયું નોંધાવ્યું હતું. 149 શેર્સમાં અપર સર્કિટ અને 279 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપ શેર્સમાં 15 ટકા સુધીનો ઉછાળો નોંધાતાં ઈન્ડેક્સ 1.36 ટકા વધ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 1 ટકા, પાવર ઈન્ડેક્સ 1.73 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચીનના રાહત પકેજની અસર, મેટલ શેર્સમાં ગાબડું
જ્યારે બીજી તરફ આઈટી ઈન્ડેક્સ 0.37 ટકા, ટેક્નોલોજી 0.25 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ચીન દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવતાં મેટલ શેર્સમાં ગાબડું નોંધાયુ હતું. જેના પગલે મેટલ ઈન્ડેક્સ 1.19 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. એનએમડીસી 3.93 ટકા, ટાટા સ્ટીલ 3.16 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલલ 2.70 ટકા અને જિંદાલ સ્ટીલ 1.48 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.