Gandhinagar માં બજરંગદળ-વિહિપ કાર્યકરોએ ખેલૈયાઓની મજા બગાડી

Share:

Gandhinagar,તા.05

ગાંધીનગરના સરગાસણમાં બીજા નોરતે ગરબામાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ખેલૈયાઓને તિલક કરાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે ગાંધીનગર પોલીસે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

ગુજરાતીઓના સૌથી મોટા તહેવારની શરુઆત થઈ ગઈ છે. ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરબાપ્રેમીઓ મોંઘદાટ ભાવે પાસ ખરીદીને ગરબા રમવા જતા હોય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ક્રોસ રોડ નજીક શેરી અફેર્સ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક દિવસના પાસનો ભાવ રૂ.12000 છે, તો શુક્રવારે બ્લેકમાં રૂ. 20,000 સુધી ભાવ બોલાતો હતો. આટલા મોંઘાદાટ પાસ ખરીદીને ગરબે રમવા ગયેલા ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો હતો.

વાત એમ છે કે શુક્રવારે બીજા નોરતે સરગાસણ શેરી અફેર્સ ગરબામાં બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓનું 50થી 60 લોકોનું ટોળું તિલક કરવા માટે પહોંચ્યું હતું. આ દરમિયાન ગરબામાં આવેલા સામાન્ય લોકો સાથે બળજબરી કરાતા આયોજકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં પોલીસે અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલો વધુ ગરમાતાં પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

તિલક કરવા પહોંચેલા કાર્યકર્તાઓએ કહ્યું હતું અમને માહિતી મળી હતી કે કેટલાક વિધર્મીઓએ પણ ગરબાનું આયોજન કર્યુ છે. અમે તિલક કરવા પહોંચ્યા તો કોણ આયોજક છે તે અંગેની માહિતી મળી ન હતી. જેથી ત્યાં હાજર પોલીસકર્મી અને બાઉન્સરો સાથે બોલાચાલી થઈ હતી. જેથી મામલો ઉગ્ર બન્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ગરબામાં અથવા તો આયોજકમાં કોઈ વિધર્મી હોય તો પોલીસને જાણ કરવી જોઈએ, પરંતુ આ પ્રકારની કોઈ રજૂઆત કે જાણકારી મળી નથી. આ રીતે કાયદો હાથમાં લેવો ન જોઈએ. જો કે હાલ આ મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી અને મામલો શાંત પડી ગયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *