Somnath Templeની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા બુલડોઝરવાળી

Share:

સોમનાથમાં ૩૬ જેટલા બુલડોઝરોએ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા

Somnath, તા.૨૮

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ૨૭મી સપ્ટેમ્બરની રાતથી ૩૬ જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા છે. કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.

સોમનાથમાં તંત્રની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલી હતી. આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા બે વર્ષમાં અહીં ઘણાં નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે દબાણ દૂર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થળ પર ૧૪૦૦ પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબુમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *