અંધારપટ વચ્ચે Ahmedabad માં ફરી ધોધમાર વરસાદ,કયા વિસ્તારમાં કેટલો ખાબક્યો વરસાદ

Share:

Ahmedabad,તા.27

ચોમાસાએ વિદાયની ઘડીએ ફરી એકવાર અમદાવાદમાં જોરદાર રાઉન્ડ શરૂ કર્યો છે. મધ્ય મહારાષ્ટ્ર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ હવે સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે અને તેને ધ્યાનમાં રાખીને જ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી અંધારપટ છવાયેલું છે. ત્યારે સાડા સાત વાગ્યાની આસપાસથી સતત ધોધમાર વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દૃશ્યો સર્જાવા લાગ્યા છે.

વહેલી સવારથી જ અમાદાવાદ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. શ્યામલ, જોધપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે.  શહેરના એસજી હાઇવે, સરખેજ, શિવરંજની, નવા વાડજ અને ચાંદલોડિયા તેમજ બોપલ વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી રમઝટ જામી છે.

તાજેતરની લેટેસ્ટ માહિતી અનુસાર એસ.જી.હાઈવેના મોટાભાગના વિસ્તારો, જુહાપુરા, સરખેજ, વેજલપુર, મકરબા, વટવા, નારોલ, મણિનગર, પાલડી સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વહેલી સવારથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. ભારે વરસાદને પગલે ઓફિસે જનારા લોકોએ પણ તકલીફ વેઠવી પડી રહી છે.

શહેરમાં સવારથી 11 વાગ્યા સુધીમાં અડધા ઈંચથી વધુનો વરસાદ વરસી ચુક્યો છે. શહેરના સરખેજ, જુહાપુરા, વેજલપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે, વાસણા, પાલડી, મકરબા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ આશ્રમરોડ, જોધપુર, શ્યામલ, આનંદનગર, શિવરંજીની, મકતમપુરા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ગીતામંદિર, મણીનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ શું કહે છે? 

અમદાવાદના હવામાન વિભાગના જણાવ્યાનુસાર મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *